રૂ.18 હજાર કરોડનો B2 બોમ્બર : એવું જેટ જેને રડાર પણ પકડવા અસમર્થ

જોકે આ મિશનમાં કયા હથિયારો અને વિમાનોનો ઉપયોગ થયો તેની સત્તાવાર માહિતી આપવી ટાળી છે : આ વિશ્વનું સૌથી મોંઘુ ખતરનાક હથિયાર છે

રૂ.18 હજાર કરોડનો B2 બોમ્બર

મુંબઈ, શનિવાર : દુનિયાનું સૌથી મોંઘું અને ઘાતક યુદ્ધ હથિયાર B2 સ્પિરિટ સ્ટીલ્થ બોમ્બર ફરી એકવાર કાર્યરત બન્યું છે. અમેરિકાએ ઈરાનના ત્રણ મહત્વપૂર્ણ પરમાણુ સ્થળો — ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાન પર તાબડતોબ હુમલો કર્યો છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ’ પર આ હુમલાની પુષ્ટિ કરી છે, જોકે આ મિશનમાં કયા હથિયારો અને વિમાનોનો ઉપયોગ થયો તેની સત્તાવાર માહિતી આપવી ટાળી છે. પણ માનવામાં આવે છે કે દુનિયાનું સૌથી અદ્યતન અને રડારથી અજાણ રહેનાર B2 સ્પિરિટ બોમ્બર — જેની કિંમત આશરે રૂ.18,000 કરોડ છે — આ હુમલામાં ઉપયોગમાં લેવામાં આવ્યું છે. શું આ પગલાં વિશ્વમાં નવા યુદ્ધનો ઈશારો છે?

આ વિમાન 30,000 પાઉન્ડના GBU-57 બોમ્બ લઈ જઈ શકે છે, જે ખાસ કરીને ઊંડાણમાં રહેલા લક્ષ્યોને તબાહ કરવા માટે બનાવવામાં આવ્યું છે. B2 સ્પિરિટ સ્ટીલ્થ બોમ્બર્સ ફક્ત વિશ્વના સૌથી અદ્યતન વિમાન જ નથી, પરંતુ સૌથી મોંઘા પણ છે. B2 બોમ્બરની કિંમત 17,850 કરોડ રૂપિયા (2.1 બિલિયન ડોલર) છે. તેના જાળવણીનો ખર્ચ એક વર્ષમાં 330 કરોડ રૂપિયા થાય છે. 17850 કરોડ રૂપિયામાં વિકાસ, એન્જિનિયરિંગ, પરીક્ષણ, બાંધકામ અને ખરીદી સંબંધિત તમામ ખર્ચનો સમાવેશ થાય છે. B2 બોમ્બર્સ 1997 માં ડિઝાઇન કરવામાં આવ્યા હતા અને તે જ વર્ષે તેનું ઉત્પાદન શરૂ થયું હતું. શરૂઆતમાં, તેની કિંમત લગભગ 737 મિલિયન ડોલર હતી. પરંતુ, અમેરિકન એરફોર્સમાં જોડાયા પછી, તેમાં ઘણા ટેક્નિકલ ફેરફારો કરવામાં આવ્યા અને તેને વધુ ઘાતક બનાવવામાં આવ્યું. જેના કારણે તેની કિંમત વધીને 2.1 બિલિયન ડોલર થઈ ગઈ. B2 સ્પિરિટની ઊંચી કિંમત પાછળનું કારણ તેની જટિલ ડિઝાઇન, અત્યાધુનિક ટેક્નોલોજી છે.

B2 સ્પિરિટ બોમ્બરની શક્તિ કેટલી છે?
B2 સ્પિરિટ એક સ્ટીલ્થ ટેક્નોલોજી બોમ્બર છે, જેને રડાર પર શોધવું અત્યંત મુશ્કેલ છે. આ વિમાન 30,000 પાઉન્ડ એટલે કે લગભગ 13,600 કિલોગ્રામ વજનના GBU-57 બોમ્બ લઈ જવામાં સક્ષમ છે, જે ખાસ કરીને ભૂગર્ભ બંકરો અને પરમાણુ સ્થળોને નષ્ટ કરવા માટે બનાવવામાં છે.
આ વિમાનની ડિઝાઇન એવી છે કે તે દુશ્મનને જોયા વિના કોઈપણ લક્ષ્યનો નાશ કરી શકે છે. આ જ કારણ છે કે B2 ને “The Invisible Death” પણ કહેવામાં આવે છે.

અમેરિકાએ ફક્ત 21 વિમાન બનાવ્યા હતા
બી-2 બોમ્બરનું ઉત્પાદન 1997માં શરૂ થયું હતું. અમેરિકાએ શરૂઆતમાં 132 બોમ્બર બનાવવાની યોજના બનાવી હતી, પરંતુ ઊંચા ખર્ચ અને રાજકીય વિવાદોને કારણે આ સંખ્યા ઘટીને માત્ર 21 થઈ ગઈ હતી. અત્યાર સુધી, અમેરિકાએ કોસોવો યુદ્ધ (1999), અફઘાનિસ્તાનમાં ઓપરેશન એન્ડ્યોરિંગ ફ્રીડમ અને લિબિયામાં ઓપરેશન ઓડિસી ડોનમાં B2 બોમ્બરનો ઉપયોગ કર્યો છે.

ફિલ્મોમાં પણ જોવા મળશે આ વિમાન
રસપ્રદ વાત એ છે કે, આ ખતરનાક બોમ્બર ફક્ત યુદ્ધના મેદાનમાં જ નહીં, પરંતુ ફિલ્મોમાં પણ જોવા મળે છે. B2ને કેપ્ટન માર્વેલ, આયર્ન મેન 2 અને રેમ્પેજ જેવી ફિલ્મોમાં બતાવવામાં આવ્યું છે. અમેરિકન એરફોર્સ તેને શૂટિંગ માટે ફિલ્મ સ્ટુડિયોને ભાડે આપે છે.

કેમ આ હુમલો આટલો મહત્ત્વનો છે?
ઈરાનના પરમાણુ સ્થળો પર અમેરિકા દ્વારા કરવામાં આવેલો આ હુમલો માત્ર મધ્ય પૂર્વમાં તણાવને નવી ઊંચાઈએ લઈ જાય છે, પરંતુ એ પણ દર્શાવે છે કે અમેરિકા હવે તેના સૌથી અદ્યતન યુદ્ધ સંસાધનોનો ઉપયોગ કરવામાં ખચકાતું નથી. બી-૨ સ્પિરિટનો ઉપયોગ સૂચવે છે કે અમેરિકા આ કાર્યવાહીને ગંભીર લશ્કરી કાર્યવાહી તરીકે જુએ છે અને સ્પષ્ટ સંદેશ આપે છે કે, જ્યારે વિશ્વનું સૌથી મોંઘુ બોમ્બર ઉડાન ભરે છે, ત્યારે યુદ્ધની ભાષા બદલાઈ જાય છે.

Weu Network
Author: Weu Network

Leave a Comment

Read More

error: Content is protected !!