પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં મોટો ઉછાળો: આજથી નવી કિંમતો લાગુ, જાણો હવે એક લીટર માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે

દેશમાં પ્રીમિયમ પેટ્રોલ અને ઈન્ડસ્ટ્રીયલ ડિઝલના ભાવમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. 20 માર્ચ 2026 થી અમલી બનેલા આ નવા ભાવ અને તેની તમારા ખિસ્સા પર થતી અસર વિશે અહીં વાંચો.

નવી દિલ્હી, શુક્રવાર
મોંઘવારીના મોરચે સામાન્ય જનતા માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. જો તમે તમારી ગાડીમાં પ્રીમિયમ પેટ્રોલ પુરાવતા હોવ તો હવે તમારે ખિસ્સા વધુ ઢીલા કરવા પડશે. દેશની સરકારી તેલ કંપનીઓએ પ્રીમિયમ પેટ્રોલની કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે આ નવા ભાવ આજથી એટલે કે 20 માર્ચ 2026 થી જ અમલમાં આવી ગયા છે.

પ્રીમિયમ પેટ્રોલ કેટલું મોંઘું થયું?
આંતરરાષ્ટ્રીય બજારમાં ઉતાર-ચઢાવ અને ખાસ કરીને મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવને કારણે તેલ કંપનીઓએ આ નિર્ણય લીધો હોય તેમ જણાય છે. માર્કેટમાં ‘સ્પીડ’ કે ‘પાવર’ જેવા નામથી ઓળખાતા પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 2.09 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ આ પેટ્રોલની કિંમત 111.68 રૂપિયા પ્રતિ લીટર હતી, જે હવે વધીને 113.77 રૂપિયા થઈ ગઈ છે.

માત્ર પેટ્રોલ જ નહીં પરંતુ ઈન્ડસ્ટ્રીયલ ડિઝલના ભાવમાં પણ મોટો ફેરફાર જોવા મળ્યો છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) દ્વારા ઈન્ડસ્ટ્રીયલ ડિઝલની કિંમતમાં મોટો વધારો ઝીંકાયો છે. અગાઉ જે ડિઝલ 87.67 રૂપિયા પ્રતિ લીટર મળતું હતું, તેનો નવો ભાવ હવે 109.59 રૂપિયા પ્રતિ લીટર નક્કી કરવામાં આવ્યો છે.

સામાન્ય પેટ્રોલના ભાવમાં રાહત
રાહતની વાત એ છે કે તેલ કંપનીઓએ સામાન્ય પેટ્રોલ અને ડિઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. મધ્યમ વર્ગના જે લોકો સામાન્ય પેટ્રોલનો ઉપયોગ કરે છે તેમને હાલ પૂરતો કોઈ વધારાનો બોજ સહન કરવો પડશે નહીં. હાલમાં દેશની રાજધાની દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 94.77 રૂપિયા અને ડિઝલની કિંમત 87.67 રૂપિયા પર સ્થિર છે. જ્યારે મુંબઈ જેવા મોટા શહેરમાં પેટ્રોલનો ભાવ 103.50 રૂપિયા પ્રતિ લીટર છે.

પ્રીમિયમ પેટ્રોલ શું છે અને કેમ મોંઘું થયું?
ઘણા વાહન ચાલકોના મનમાં પ્રશ્ન થતો હોય છે કે આ પ્રીમિયમ પેટ્રોલ સામાન્ય પેટ્રોલથી કઈ રીતે અલગ છે. પ્રીમિયમ પેટ્રોલમાં ઓક્ટેન નંબર વધારે હોય છે. સામાન્ય રીતે જે પેટ્રોલ આપણે વાપરીએ છીએ તેનો ઓક્ટેન નંબર 91 હોય છે, જ્યારે પ્રીમિયમ પેટ્રોલમાં આ નંબર 95 કે તેથી વધુ હોય છે. હાઈ-પર્ફોમન્સ એન્જિન ધરાવતી ગાડીઓ માટે આ ઈંધણ શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે તે એન્જિનની કાર્યક્ષમતા અને માઈલેજ વધારે છે.

કિંમતો વધવા પાછળનું મુખ્ય કારણ ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઈલની વધતી કિંમતો અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં થયેલો ફેરફાર હોઈ શકે છે. નિષ્ણાતો માની રહ્યા છે કે ઈરાન અને અમેરિકા વચ્ચે વધી રહેલા રાજકીય તણાવને કારણે વૈશ્વિક સ્તરે સપ્લાય ચેઈન પર અસર પડી છે, જેની સીધી અસર હવે ભારતીય બજારમાં પ્રીમિયમ ફ્યુઅલ પર જોવા મળી રહી છે.

જોકે સરકારી કંપનીઓએ આ ભાવ વધારા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર વિસ્તૃત સ્પષ્ટતા કરી નથી, પરંતુ મોંઘા થતા ઈંધણની અસર સીધી રીતે વાહન માલિકોના માસિક બજેટ પર જરૂર પડશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!