બ્રિટનમાં મોટો રાજકીય ભૂકંપ! ખુરશી બચાવવાના તમામ પેંતરા ફેલ, UKના PM કીર સ્ટાર્મર આપશે રાજીનામું

UKના રાજકારણમાં મોટો ઉલટફેર! લેબર પાર્ટીના આંતરિક વિખવાદ અને મંત્રીઓના બળવાને કારણે PM Keir Starmer રાજીનામું આપવા તૈયાર. જાણો અંદરની પુરી કહાની.

બ્રિટન, રવિવાર
બ્રિટનના રાજકારણમાંથી અત્યારની સૌથી મોટી અને ચોંકાવનારી ખબર સામે આવી રહી છે. યુકેના વડાપ્રધાન કીર સ્ટાર્મર (Keir Starmer) પોતાની ખુરશી છોડવા માટે તૈયાર થઈ ગયા છે. રિપોર્ટ્સનું માનીએ તો, તેઓ ટૂંક સમયમાં જ પોતાના પદ પરથી રાજીનામું આપવાની ટાઈમલાઈન જાહેર કરી શકે છે. લેબર પાર્ટીમાં ચાલી રહેલા ભારે ડખા, અરાજકતા અને પોતાના જ વરિષ્ઠ નેતાઓના દબાણને કારણે પીએમ સ્ટાર્મરે હવે હાર માની લીધી છે. બ્રિટિશ અખબાર ડેઈલી મેઈલના રિપોર્ટ મુજબ, પીએમ માની ચૂક્યા છે કે હવે આ અરાજકતા સહન થાય તેમ નથી, તેથી તેઓ ઈજ્જતભેર સત્તા સોંપીને વિદાય લેવા માંગે છે.

વડાપ્રધાન કાર્યાલયમાં ખળભળાટ અને મંત્રીઓના રાજીનામા
છેલ્લા કેટલાક દિવસોથી 10 ડાઉનિંગ સ્ટ્રીટ (વડાપ્રધાન આવાસ)માં ભારે ટેન્શનનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘણા જુનિયર મંત્રીઓએ તો પોતાના પદ પરથી રાજીનામા પણ આપી દીધા છે. એક નેતાએ તો ત્યાં સુધી કહી દીધું કે પાર્ટીના જ અમુક નેતાઓ પીએમ સામે મીઠું-મીઠું બોલતા હતા કે “અમે તમારી સાથે છીએ”, પણ બહાર નીકળતા જ બળવાખોરો સાથે મળીને તેમની જ સામે ષડયંત્ર રચતા હતા.

આટલું ઓછું હોય તેમ, બ્રિટનના નાણામંત્રી રશેલ રીવ્સે એક ઈન્ટરવ્યુમાં હેલ્થ ફંડિંગ વિશે વાત કરતા સરકાર કે પીએમનું નામ લેવાનું ટાળ્યું અને માત્ર ‘I’ (હું) શબ્દ વાપર્યો. આ બતાવે છે કે કેબિનેટના નેતાઓ હવે પીએમથી અંતર રાખી રહ્યા છે. આ બધા વિવાદોની વચ્ચે હેલ્થ સેક્રેટરી વેસ સ્ટ્રીટીંગે કેબિનેટમાંથી રાજીનામું ફેંકી દેતા સ્ટાર્મર સરકારને સૌથી મોટો ઝટકો લાગ્યો છે.

એન્ડી બર્નહામની એન્ટ્રી: ખુરશી જવાનું મુખ્ય કારણ
આ આખા વિવાદના મૂળમાં લેબર પાર્ટીના દિગ્ગજ નેતા એન્ડી બર્નહામ (Andy Burnham) હોવાનું મનાય છે. તેઓ મેકરફિલ્ડ (Makerfield) ની પેટાચૂંટણી લડીને સંસદમાં પાછા ફરવાની પૂરી તૈયારીમાં છે. બર્નહામની ટીમ અત્યારે ફુલ આક્રમક મૂડમાં છે. તેમના પ્રચારનો સીધો અને સ્પષ્ટ મેસેજ છે: “જો તમે એન્ડીને વોટ આપશો, તો તે વેસ્ટમિન્સ્ટર જશે અને પીએમને 10 ડાઉનિંગ સ્ટ્રીટમાંથી ખેંચીને બહાર કાઢશે.”

પીએમની ટીમે એન્ડીની ઉમેદવારી રોકવા માટે ઘણા ધમપછાડા કર્યા હતા, પરંતુ ડેપ્યુટી લેબર લીડર લ્યુસી પોવેલે પીએમ ઓફિસ કંઈ પણ કરે તે પહેલા જ એન્ડીની ઉમેદવારી ફાઈનલ કરાવી દીધી અને પીએમના તમામ મનસૂબા પર પાણી ફેરવી દીધું.

‘9 જિંદગીવાળી બિલાડી’ ના તમામ ભવ પૂરા!
પીએમ સ્ટાર્મરના એક જૂના સાથીનું કહેવું છે કે, અગાઉ સ્ટાર્મર પોતાની જાતને “9 જિંદગી ધરાવતી બિલાડી” (A cat with 9 lives) માનતા હતા. તેમને લાગતું કે ગમે તેવી રાજકીય મુશ્કેલી આવશે, તેઓ તેમાંથી જીવતા બહાર આવી જશે. પરંતુ હવે તેમણે પણ સ્વીકારી લીધું છે કે તેમની આ છેલ્લી અને 9મી જિંદગી પણ હવે પૂરી થઈ ગઈ છે.

હવે આખા બ્રિટનની નજર એ વાત પર છે કે કીર સ્ટાર્મર મેકરફિલ્ડ પેટાચૂંટણીના પરિણામ આવે તે પહેલાં જ રાજીનામાની તારીખ આપી દે છે કે પછી રિઝલ્ટની રાહ જુએ છે. રાજકીય નિષ્ણાતોનું સ્પષ્ટ માનવું છે કે જો તેઓ રિઝલ્ટ સુધી રોકાશે, તો તેમની વિદાય તેમના માટે વધુ અપમાનજનક સાબિત થઈ શકે છે. અસંતોષ અને બળવાના આ માહોલમાં બ્રિટનને ટૂંક સમયમાં જ નવા વડાપ્રધાન મળી શકે છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!