અમદાવાદ સિવિલ કેમ્પસની કિડની હોસ્પિટલમાં કેગ (CAG) દ્વારા સરપ્રાઈઝ ઓડિટ શરૂ કરાયું છે. મેડિકલ કન્ઝ્યુમેબલ્સની ખરીદીમાં કથિત કૌભાંડ અને જૂની તપાસ સામેના પ્રશ્નો બાદ મામલો સીએમ સુધી પહોંચતા નવેસરથી તપાસ શરૂ થઈ છે.

અમદાવાદ, બુધવાર
એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. હોસ્પિટલમાં ચાલતા વહીવટ અને ખરીદી પ્રક્રિયા સામે અનેક સવાલો ઉઠ્યા બાદ હવે મામલો ગંભીર બન્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ, કિડની હોસ્પિટલમાં મેડિકલ સાધનો અને કન્ઝ્યુમેબલ્સની ખરીદીમાં થયેલા કથિત કૌભાંડને પગલે ‘કેગ’ (CAG – Comptroller and Auditor General)ના અધિકારીઓએ સરપ્રાઈઝ વિઝિટ કરી છે. આ ઓડિટને પગલે હોસ્પિટલના વહીવટી તંત્રમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
સીએમ ઓફિસ સુધી પહોંચી ફરિયાદ
કિડની હોસ્પિટલમાં મેડિકલ કન્ઝ્યુમેબલ્સની ખરીદીમાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદો લાંબા સમયથી ઉઠી રહી હતી. આ મામલે અગાઉ પણ તપાસ થઈ હતી, પરંતુ તે તપાસ નિષ્પક્ષ ન હોવાના આક્ષેપો થયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ, આ અંગેના પુરાવાઓ અને ફરિયાદો છેક મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના કાર્યાલય સુધી પહોંચી હતી. જેમાં આરોપ મુકવામાં આવ્યો હતો કે અગાઉની તપાસમાં ભીનું સંકેલવાનો પ્રયાસ થયો હતો. આ ગંભીર રજૂઆતોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા જૂની તપાસ રી-ઓપન કરવામાં આવી છે.
નાના કર્મચારીઓને બલિનો બકરો બનાવાયાનો આક્ષેપ
આ સમગ્ર પ્રકરણમાં સૌથી ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે, કૌભાંડને દબાવવા માટે નાના કર્મચારીઓનો ભોગ લેવાયો હોવાનો દાવો થઈ રહ્યો છે. ગુજરાત ડાયાલીસીસ પ્રોગ્રામ સાથે સંકળાયેલા અને નોકરીમાંથી છૂટા કરાયેલા કર્મચારીઓએ બળાપો કાઢતા કહ્યું હતું કે, “એક મોટા અને વયોવૃદ્ધ અધિકારીને બચાવવા માટે ચારથી પાંચ નાના કર્મચારીઓ પર દોષનો ટોપલો ઢોળી દેવામાં આવ્યો છે.”
આ કર્મચારીઓનો આરોપ છે કે, તપાસ દરમિયાન તેમનું નિવેદન પણ લેવામાં આવ્યું ન હતું અને એકતરફી નિર્ણય લઈ તેમને છૂટા કરી દેવાયા હતા. આરોગ્ય સચિવે ક્લીનચીટ આપી હોવા છતાં, જે રીતે નાના કર્મચારીઓને હટાવવામાં આવ્યા છે, તે જોતા આખી પ્રક્રિયા શંકાસ્પદ લાગી રહી છે. જેથી તેમણે ડીલર અને ડિસ્ટ્રીબ્યુટર વિરુદ્ધ પુરાવા રજૂ કરી તટસ્થ તપાસની માંગ કરી હતી.
CAGની ટીમે ધામા નાખ્યા
મામલો ગાંધીનગર સુધી પહોંચતા હવે તપાસનો ધમધમાટ તેજ થયો છે. છેલ્લા 10 દિવસથી કેગના ત્રણ અધિકારીઓની એક ટીમ કિડની હોસ્પિટલમાં ધામા નાખીને બેઠી છે. આ ટીમમાં એક એડમિનિસ્ટ્રેટીવ ઓફિસર અને બે આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટીવ ઓફિસરનો સમાવેશ થાય છે. તેઓ હોસ્પિટલના આર્થિક વ્યવહારો અને ખરીદીના રેકોર્ડનું ઝીણવટભર્યું ઓડિટ કરી રહ્યા છે. આ સરપ્રાઈઝ ચેકિંગમાં અનેક ચોંકાવનારા તથ્યો બહાર આવે તેવી શક્યતા છે.
નવેસરથી તપાસના આદેશ
ગાંધીનગરના એક ઉચ્ચ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, કિડની હોસ્પિટલ મામલે અગાઉ સબમિટ થયેલા રિપોર્ટ બાદ હવે નવેસરથી તપાસ સોંપવામાં આવી છે. જોકે, તપાસના સત્તાવાર પેપર્સ હજુ મળ્યા ન હોવાથી હાલ તેઓ વધુ કઈ કહી શકે તેમ નથી. ટૂંકમાં, વર્ષોથી વિવાદોમાં રહેલી સિવિલની કિડની હોસ્પિટલમાં કેગના ઓડિટ અને સરકારના કડક વલણને જોતા આગામી દિવસોમાં મોટા માથાઓ સામે કાર્યવાહી થાય તો નવાઈ નહીં.











