બિહારમાં વિધાનસભા ચૂંટણીની ગતિવિધિઓ તેજ બની છે, ત્યારે કોંગ્રેસે તેના ૫ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે.

બિહારમાં વિધાનસભા ચૂંટણીની ગતિવિધિઓ તેજ બની છે, ત્યારે કોંગ્રેસે તેના ૫ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ નવી યાદીમાં નરકટિયાગંજ બેઠક પરથી શાશ્વત કેદાર પાંડેય, કિશનગંજથી મો. કમરુલ હુદા, કસ્બાથી મો. ઈરફાન આલમ, પૂર્ણિયાથી જિતેન્દ્ર યાદવ અને ગયા ટાઉન બેઠક પરથી મોહન શ્રીવાસ્તવને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ પહેલા પાર્ટીએ ૪૮ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી, અને આ સાથે કોંગ્રેસે અત્યાર સુધીમાં કુલ ૫૪ ઉમેદવારોની ઘોષણા કરી દીધી છે. જોકે, મહાગઠબંધનમાં સીટ વહેંચણીની ઔપચારિક ઘોષણા હજુ સુધી કરવામાં આવી નથી.
બીજી યાદીમાં કિશનગંજ બેઠક પર મોટો ફેરફાર જોવા મળ્યો છે. અહીં કોંગ્રેસના નિવાર્તમાન ધારાસભ્ય મો. ઇઝહારુલ હુસૈનની ટિકિટ કાપવામાં આવી છે અને તેમના સ્થાને પૂર્વ ધારાસભ્ય મો. કમરુલ હુદાને ટિકિટ આપવામાં આવી છે. કમરુલ હુદાએ તાજેતરમાં જ રાષ્ટ્રીય જનતા દળ (RJD) છોડીને કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. ૨૦૧૯ની પેટાચૂંટણીમાં તેઓ AIMIMની ટિકિટ પર કિશનગંજથી પહેલીવાર ચૂંટાયા હતા. RJD છોડીને કોંગ્રેસમાં આવવાનો ફાયદો તેમને ટિકિટના રૂપમાં મળ્યો છે.
કોંગ્રેસે તેની પ્રથમ યાદીમાં ભાગલપુર, કદવા, મનિહારી, મુઝફ્ફરપુર, રાજાપાકર, બક્સ, રાજપુર, કુટુંબા, કરગહર, હિસુઆ અને ઔરંગાબાદ સહિત ૧૧ વર્તમાન ધારાસભ્યોને ફરીથી ટિકિટ આપીને વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ ધારાસભ્યોમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ રાજેશ રામ પણ સામેલ છે. કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની જાહેરાત દર્શાવે છે કે પાર્ટી હવે ચૂંટણી માટે સક્રિય રીતે મેદાનમાં ઉતરી ગઈ છે.











