Black Seaમાં કાર્ગો જહાજ પર રશિયન ડ્રોન હુમલાનો આરોપ, 2નાં મોત; ભારતીયો સવાર

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે Black Seaમાં તુર્કીની માલિકીના કાર્ગો જહાજ પર બે રશિયન ડ્રોનથી હુમલો થયાનો યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ દાવો કર્યો છે. જહાજમાં આગ લાગ્યા બાદ તે ડૂબી ગયું. રોમાનિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર બે લોકોનાં મોત થયાં અને 11 ક્રૂ સભ્યોને બચાવી લેવામાં આવ્યા. જહાજમાં ભારતીય અને અઝરબૈજાની નાગરિકો પણ સવાર હતા.

 રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે કાળા સમુદ્રમાં એક નાગરિક કાર્ગો જહાજ પર હુમલાની ઘટના સામે આવી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કીએ સોમવારે દાવો કર્યો કે તુર્કીની માલિકીના નાગરિક જહાજ પર બે રશિયન ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો, જેના પગલે જહાજમાં આગ લાગી અને બાદમાં તે ડૂબી ગયું. જહાજમાં ભારતીય અને અઝરબૈજાની નાગરિકો પણ સવાર હતા.

જહાજના કેપ્ટન સહિત બે લોકોનાં મોત

ઝેલેન્સ્કીના જણાવ્યા અનુસાર, જહાજનો કેપ્ટન હુમલામાં માર્યો ગયો હતો, જ્યારે અન્ય એક વ્યક્તિની સ્થિતિ અંગે શરૂઆતમાં માહિતી મળી નહોતી. બીજી તરફ, રોમાનિયાના ગૃહ મંત્રાલયે જણાવ્યું કે ઘટનામાં બે લોકોનાં મોત થયા છે અને 11 ક્રૂ સભ્યોને બચાવી લેવામાં આવ્યા છે. બચાવાયેલા ક્રૂમાંથી કેટલાકને ઈજા થઈ હોવાની માહિતી પણ સામે આવી છે.

જહાજ મકાઈનો માલ લઈને જઈ રહ્યું હતું

અહેવાલો અનુસાર, Royad Mammadov નામનું કાર્ગો જહાજ મકાઈનો જથ્થો લઈને યુક્રેનના ઇઝમાઇલ બંદરેથી ઇટાલીના રવેના તરફ જઈ રહ્યું હતું. જહાજ તુર્કીની માલિકીનું હતું, પરંતુ તે સેન્ટ કિટ્સ એન્ડ નેવિસના ધ્વજ હેઠળ રજિસ્ટર્ડ હતું. ઘટના રોમાનિયાની પ્રાદેશિક સીમાની બહાર પરંતુ તેની એક્સક્લૂઝિવ ઇકોનોમિક ઝોનમાં બની હતી.

ભારતીય અને અઝરબૈજાની નાગરિકો જહાજમાં સવાર

ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે જહાજમાં અઝરબૈજાન અને ભારતના નાગરિકો પણ હાજર હતા. 11 ક્રૂ સભ્યોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાંથી એકને ઈજા થઈ હોવાનું તેમણે જણાવ્યું હતું.

હુમલા અંગે રશિયા તરફથી તાત્કાલિક કોઈ સ્પષ્ટ પ્રતિક્રિયા સામે આવી નથી. રશિયાના સંરક્ષણ મંત્રાલયના અગાઉના દૈનિક અહેવાલમાં બે કાર્ગો જહાજો પર હુમલો કર્યાનો ઉલ્લેખ હતો, પરંતુ આ ચોક્કસ ઘટનાને લઈને કોઈ સીધી પુષ્ટિ કરવામાં આવી નહોતી.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!