વાસણાની હોટલમાં દાદાગીરી: રૂમ ન મળતા માથાભારે તત્વોનો હોબાળો, તોડફોડ અને મેનેજરને માર્યો માર

વટવા ખાતે રહેતા અને શહેરમાં વિવિધ સ્થળોએ હોટલ ધરાવતા સજ્જનસિંહ રાવની વાસણાના પ્રથમ મંગલ કોમ્પ્લેક્સમાં આવેલી સવેરા હોટલમાં આ ઘટના બની હતી.

અમદાવાદ, મંગળવાર
શહેરના વાસણા વિસ્તારમાં આવેલી એક હોટલમાં સ્થાનિક માથાભારે તત્વ દ્વારા દાદાગીરીનો બનાવ સામે આવ્યો છે. હોટલના માલિકે પૈસા ચૂકવ્યા વિના વારંવાર રૂમમાં આરામ કરવા આવતા એક વ્યક્તિને રૂમ આપવાનો ઇનકાર કરતા હોટલમાં ભારે તોડફોડ કરવામાં આવી અને મેનેજર તેમજ માલિક પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે વાસણા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

વટવા ખાતે રહેતા અને શહેરમાં વિવિધ સ્થળોએ હોટલ ધરાવતા સજ્જનસિંહ રાવની વાસણાના પ્રથમ મંગલ કોમ્પ્લેક્સમાં આવેલી સવેરા હોટલમાં આ ઘટના બની હતી. બે દિવસ અગાઉ હોટલના મેનેજરે સજ્જનસિંહને જાણ કરી હતી કે, વાસણા ગામમાં રહેતો બળદેવ નામનો એક વ્યક્તિ લાંબા સમયથી હોટલમાં આવીને દાદાગીરી કરતો હતો. તે પૈસા આપ્યા વિના રૂમની ચાવી લઇને આરામ કરવા જતો રહેતો અને રૂમ ખાલી કરવાનો ઇનકાર કરતો. જો તેને ના પાડવામાં આવે તો તે હોટલ બંધ કરાવી દેવાની ધમકી પણ આપતો હતો.

આથી, સજ્જનસિંહ જાતે હોટલ પર પહોંચ્યા હતા. તે જ સમયે બળદેવ ત્યાં આવ્યો અને મેનેજર પાસે રૂમની ચાવી માંગી. પરંતુ, સજ્જનસિંહે તેને રૂમ આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો. આનાથી ઉશ્કેરાયેલા બળદેવે દાદાગીરી શરૂ કરી અને છરી કાઢીને મારવાનો પ્રયાસ કર્યો. એટલું જ નહીં, તેણે પોતાના અન્ય એક સાગરિતને બોલાવીને રિસેપ્શન એરિયા સહિત હોટલના અન્ય ભાગોમાં પણ ભારે તોડફોડ કરી હતી. જતા પહેલા તેણે હિસાબના પૈસા પણ લઈ લીધા અને ધમકીઓ આપીને ફરાર થઈ ગયો. આ સમગ્ર મામલે સજ્જનસિંહે વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને આરોપી બળદેવ અને તેના સાગરિતોને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!