અમદાવાદમાં ધાર્મિક સ્થળોએ ચાલતા જતા લોકોના ગળામાંથી ચેઈન તોડતા 2 આરોપીઓને ઝોન 1 LCB એ ઝડપી લીધા છે. પોલીસે 6 ગુનાનો ભેદ ઉકેલી લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અમદાવાદ, રવિવાર
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ચેઈન સ્નેચિંગના બનાવો વધી રહ્યા હતા. ખાસ કરીને વહેલી સવારે કે સાંજે ધાર્મિક સ્થળોએ દર્શન કરવા માટે ચાલતા જતા શ્રદ્ધાળુઓ આ ગેંગનો સોફ્ટ ટાર્ગેટ બનતા હતા. જોકે, હવે અમદાવાદ પોલીસની ઝોન 1 LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) ટીમને મોટી સફળતા મળી છે. પોલીસે ગળામાંથી સોનાની ચેઈન તોડતા બે રીઢા ગુનેગારોને ઝડપી પાડીને ચેઈન સ્નેચિંગના 6 જેટલા ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
આ રીતે ફૂટ્યો ગુનાનો ભાંડો
ગત 8 જૂનના રોજ નવરંગપુરા વિસ્તારમાં આવેલા જૈન દેરાસરની બહાર એક ચેઈન સ્નેચિંગનો બનાવ બન્યો હતો. આ કેસની તપાસ ઝોન 1 LCB કરી રહી હતી. ગુનેગારોને પકડવા માટે પોલીસે એક-બે નહીં પરંતુ 450 જેટલા CCTV કેમેરાના ફૂટેજ ચકાસ્યા હતા. આ જ સમયગાળા દરમિયાન શાહીબાગ વિસ્તારમાં પણ ચેઈન સ્નેચિંગની ઘટના બની. પોલીસે જ્યારે બંને જગ્યાના CCTV ફૂટેજ સરખાવ્યા, ત્યારે સ્પષ્ટ થઈ ગયું કે બંને ગુનાઓ એક જ ગેંગ દ્વારા કરવામાં આવ્યા છે. બાતમીના આધારે પોલીસે બંને આરોપીઓને વાસણા વિસ્તારમાંથી દબોચી લીધા હતા.
પોલીસ તપાસમાં થયેલા મોટા ખુલાસા
રિકવરી: પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને તેમની પાસેથી 2 લાખ રૂપિયા રોકડા, ગુનામાં વપરાયેલું બાઈક અને મોબાઈલ ફોન સહિતનો મોટો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
મોજશોખ માટે ચોરી: પૂછપરછમાં સામે આવ્યું છે કે આ બંને આરોપીઓ પોતાના મોજશોખ પૂરા કરવા માટે જ ચોરી અને લૂંટના રવાડે ચડ્યા હતા.
રાજસ્થાનથી આવતો હતો આરોપી: પકડાયેલા આરોપીઓમાંથી લક્ષ્મણસિંહ નામનો શખ્સ મૂળ રાજસ્થાનનો છે અને તે માત્ર ચેઈન સ્નેચિંગ કરવા માટે જ સ્પેશિયલ રાજસ્થાનથી અમદાવાદ આવતો હતો.
મહિલા ગુનેગારને વેચતા હતા દાગીના
આ કેસમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આરોપીઓ ચોરીના દાગીના નાના ચિલોડા વિસ્તારમાં રહેતી આશા ઠક્કર નામની એક મહિલાને વેચી દેતા હતા. આશા ઠક્કર પોતે પણ એક રીઢી ગુનેગાર છે અને અગાઉ ચોરીના દાગીના ખરીદવાના આરોપમાં પકડાઈ ચૂકી છે. તેની સામે 8 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. આશાનો પતિ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો, જેનું અગાઉ પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું. હાલમાં આશા ઠક્કર ફરાર છે અને પોલીસ તેને શોધી રહી છે.
આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ
પોલીસના સકંજામાં આવેલા પંકજ વિરુદ્ધ અગાઉ ચોરી અને સ્નેચિંગના 10 ગુના નોંધાઈ ચૂક્યા છે, જ્યારે લક્ષ્મણસિંહ વિરુદ્ધ 2 ગુના નોંધાયેલા છે. આ બંનેની ધરપકડથી અમદાવાદના નવરંગપુરા, સાબરમતી, રાણીપ, મણિનગર, ખોખરા અને શાહીબાગ વિસ્તારમાં થયેલી ચોરીના 6 ગુનાઓનો સફળતાપૂર્વક ભેદ ઉકેલાઈ ગયો છે.
હાલ પોલીસ ફરાર મહિલા આરોપી આશા ઠક્કરને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે, જેના પકડાયા બાદ અન્ય કોઈ મોટા ખુલાસા થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.











