સચિન તેંડુલકર સહિત ઘણાં દિગ્ગજોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો : રાજકોટમાં જન્મેલા દિલીપ દોશીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મોડેથી પ્રવેશ કર્યો હતો

મુંબઈ, મંગળવાર : ભારતના દિગ્ગજ પૂર્વ ક્રિકેટર દિલીપ દોશીનું લંડનમાં 77 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી નિધન થયું. સચિન તેંડુલકર સહિત ઘણાં દિગ્ગજોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. 22મી ડિસેમ્બર 1947ના રોજ રાજકોટમાં જન્મેલા દિલીપ દોશીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મોડેથી પ્રવેશ કર્યો હતો. પરંતુ તેમની ચોકસાઈ, ધીરજ અને હવામાં બોલ સ્પિન કરવાની ક્ષમતાથી ક્રિકેટર જગતમાં પોતાની અલગ છાપ છોડી હતી.
દિવંગત પૂર્વ ક્રિકેટર દિલીપ દોશીનું ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કરિયર ખૂબ જ શાનદાર હતું. તેમણે વર્ષ 1968-69માં ડેબ્યૂ કર્યું હતું અને 1986માં નિવૃત્તિ લેતા પહેલા કુલ 238 ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યા હતા. આ સમય દરમિયાન તેમણે કુલ 898 વિકેટ લીધી હતી. સ્થાનિક ક્રિકેટમાં તેમણે મુખ્યત્વે બંગાળનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જ્યાં તેઓ રણજી ટ્રોફીમાં ટીમ માટે મહત્ત્વપૂર્ણ ખેલાડી હતા. તે સૌરાષ્ટ્ર માટે પણ રમ્યા હતા. તેમનો ઈગ્લિશ કાઉન્ટી ક્રિકેટમાં પણ પ્રભાવ હતો, જ્યાં તેઓ નોટિંગહામશાયર અને વોરવિકશાયર માટે રમ્યા હતા. નોટિંગહામશાયર સાથે ચાર સીઝનમાં તેમણે 44 ફર્સ્ટ ક્લાસ મેચમાં 157 વિકેટ લીધી હતી. વર્ષ 1979માં 32 વર્ષની ઉંમરે દિલીપ દોશીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેમણે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં તેમણે મેચમાં 8 વિકેટ લઈને પોતાની ક્ષમતા દર્શાવી હતી, જેમાં પહેલી ઈનિંગમાં 6 વિકેટનો સમાવેશ થાય છે. તે એવા 9 ભારતીય ખેલાડીઓમાંના એક છે જેમણે પોતાના ટેસ્ટ ડેબ્યૂમાં પાંચ વિકેટ લીધી છે. તેમણે 1979થી 1983 દરમિયાન ભારત માટે 33 ટેસ્ટ મેચ રમી હતી અને 114 વિકેટ લીધી હતી. ટેસ્ટ ક્રિકેટમાં તેમણે 6 વખત 5 વિકેટ લીધી છે. તેમની બોલિંગ સરેરાશ 3.71 અને ઈકોનોમી રેટ 2.25 હતી, જે તેમની ચોકસાઈ અને નિયંત્રણ દર્શાવે છે.










