અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધની વચ્ચે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ $110 પ્રતિ બેરલને પાર પહોંચ્યું છે. આ દરમિયાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેલના ભાવ ઘટવાને લઈને એક મોટો દાવો કર્યો છે. જાણો શું છે પૂરો મામલો.

અમેરિકા, બુધવાર
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સૈન્ય તણાવ તેમજ હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાની આશંકા વચ્ચે આખી દુનિયા હાલમાં ઓઇલ અને ગેસ સંકટનો સામનો કરી રહી છે. ક્રૂડ ઓઇલની કિંમતોમાં આવેલા ઉછાળાએ વૈશ્વિક સ્તરે મોંઘવારીનું જોખમ વધારી દીધું છે, જેની સીધી માઠી અસર બ્રિટનથી લઈને ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સુધી જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત સતત $110 ડૉલર પ્રતિ બેરલની આસપાસ ટ્રેડ થઈ રહી છે. જોકે, આ ગંભીર કટોકટી વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યા છે કે ટૂંક સમયમાં જ ક્રૂડ ઓઇલના ભાવ ક્રેશ થઈ શકે છે. ટ્રમ્પનો દાવો છે કે ઈરાન સાથેનું યુદ્ધ હવે અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં તેલના ભાવ નીચે આવી જશે.
અમેરિકા સાથે શાંતિ કરાર કરવા ઈરાન આતુર: ટ્રમ્પ
વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત કરતાં ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, ઈરાન સાથે ચાલી રહેલો જંગ હવે બહુ લાંબો નહીં ખેંચાય. તેમણે દાવો કર્યો છે કે, “ઈરાન સરકાર અમારી સાથે શાંતિ કરાર કરવા માટે અત્યંત આતુર છે.” ટ્રમ્પના મતે ઈરાન પાસે ઓઇલનો અખૂટ ભંડાર છે, અને જો આ શાંતિ ડીલ સફળ રહેશે તો વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની સપ્લાય એટલી વધી જશે કે તેલની કિંમતો ઘડાધડ નીચે આવી જશે.
મધ્યસ્થી તરીકે સાઉદી અરેબિયા અને યુએઈ મેદાને
ડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં ખુલાસો કર્યો કે સાઉદી અરેબિયા, કતાર, યુએઈ, કુવૈત અને બહેરીન સહિતના મધ્યપૂર્વના દેશો આ કરાર કરાવવા માટે એક ટીમ તરીકે સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. જોકે, અમેરિકા પણ ઈરાનને આ શાંતિ કરાર માટે ખૂબ જ મર્યાદિત સમય આપી રહ્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે ઈરાનને કોઈ પણ સંજોગોમાં પરમાણુ હથિયાર રાખવાની મંજૂરી આપી શકાય નહીં, કારણ કે જો ઈરાન પરમાણુ હથિયાર મેળવી લેશે, તો તે ચોક્કસપણે તેનો ઉપયોગ કરશે તેવી ચિંતા છે.
‘હુમલો કરવાથી અમે માત્ર એક જ કલાક દૂર હતા, પણ…’
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે એક અત્યંત ચોંકાવનારો ખુલાસો કરતાં કહ્યું કે, “હું ઈરાન પર મોટા સૈન્ય હુમલાનો આદેશ આપવાની બિલકુલ નજીક હતો. અમે હુમલા માટે પૂરેપૂરા સજ્જ હતા અને માત્ર એક જ કલાકનો સમય બાકી હતો. પરંતુ છેલ્લી ઘડીએ કતાર, સાઉદી અરેબિયા, કુવૈત અને યુએઈ જેવા મધ્યસ્થી દેશોના ફોન આવ્યા અને મેં મારો નિર્ણય બદલ્યો. આ દેશોએ ખાતરી આપી હતી કે તેહરાન (ઈરાન) શાંતિ મંત્રણા માટે હકારાત્મક વલણ અપનાવી રહ્યું છે.”
ટ્રમ્પના નિવેદન બાદ માર્કેટની સ્થિતિ
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદનની અસર આંતરરાષ્ટ્રીય માર્કેટ પર પણ જોવા મળી છે અને ક્રૂડ ઓઇલના ભાવમાં સહેજ નરમી નોંધાઈ છે. આમ છતાં, મિડલ ઇસ્ટમાં ઓઇલ સપ્લાયના ખોરવાઈ જવાની આશંકાને કારણે ભાવ હજુ પણ $110 ડૉલર પ્રતિ બેરલની ઉપર બનેલા છે.
બીજી તરફ, ગ્લોબલ માર્કેટ એનાલિસ્ટ્સ પણ વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે થનારા સંભવિત શાંતિ કરાર પર ઝીણવટભરી નજર રાખી રહ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે, ભલે અત્યારે ટ્રમ્પના નિવેદનથી તેલના ભાવ થોડા નરમ પડ્યા હોય, પરંતુ જો આ શાંતિ વાટાઘાટો નિષ્ફળ જશે અને અમેરિકા ફરી હુમલાનું જોખમ લેશે, તો કિંમતો ફરી એકવાર આકાશને આંબી શકે છે.











