તલાટીઓની હડતાળને કારણે ખેડૂતોના વારસાઈ પેઢીનામાના કામો અટવાતા દહેગામ તાલુકા કોંગ્રેસે મામલતદારને રજૂઆત કરી વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવા માંગ કરી છે.
દહેગામ તાલુકામાં રેવન્યુ તલાટીઓની ચાલી રહેલી હડતાળના કારણે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો અને સામાન્ય નાગરિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને ખેતીની જમીનમાં વારસાઈ નોંધ દાખલ કરાવવા માટે અત્યંત જરૂરી એવા પેઢીનામા સમયસર પ્રમાણિત ન થતાં જમીનના તમામ સરકારી અને વહીવટી પ્રક્રિયાઓ ખોરંભે પડી છે.
કોંગ્રેસ દ્વારા મામલતદારને રજૂઆત
આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈને દહેગામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધનપાલસિંહ ડી. ચૌહાણ દ્વારા દહેગામ મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે, કર્મચારીઓની હડતાળ તેમનો પ્રશ્ન હોઈ શકે પરંતુ તેના કારણે સામાન્ય ખેડૂતોના જરૂરી સરકારી કામો લાંબા સમય સુધી અટકી રહે તે યોગ્ય નથી.
મુખ્ય માંગણીઓ અને સૂચનો
કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર સમક્ષ માંગણી કરવામાં આવી છે કે જ્યાં સુધી હડતાળ ચાલુ રહે ત્યાં સુધી ખેડૂતોને પેઢીનામું મળી રહે તે માટે તાત્કાલિક વૈકલ્પિક વહીવટી વ્યવસ્થા ઊભી કરવામાં આવે. આ સાથે જ સક્ષમ અધિકારીઓને જવાબદારી સોંપી પેઢીનામા અને વારસાઈ નોંધના બાકી કેસોની ગામવાર સમીક્ષા કરી ઝડપી નિકાલ કરવામાં આવે જેથી ખેડૂતોને કચેરીઓના ધક્કા ખાવા ન પડે.












