દહેગામ પોલીસે રીક્ષા ચોરીનો ભેદ ઉકેલી બે આરોપીને પકડ્યા, ચોરીની બે રીક્ષા મળી

દહેગામ પોલીસે અમદાવાદ અને મહેસાણા જિલ્લામાં થયેલી રીક્ષા ચોરીના બે અનડિટેક્ટ ગુના ઉકેલ્યા. ચોરી કરેલી બે રીક્ષા સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી, જેમની કિંમત 4 લાખ 90 હજાર રૂપિયા છે.

દહેગામ, શુક્રવાર
દહેગામ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે અમદાવાદ અને મહેસાણા જિલ્લામાં થયેલી રીક્ષા ચોરીના બે અલગ-અલગ ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે ચોરી થયેલી બે ઓટો રીક્ષા સાથે બે આરોપીઓને પકડ્યા છે, જેમની કુલ કિંમત 4 લાખ 90 હજાર રૂપિયા છે. આ કામગીરી નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્ર યાદવ અને પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચના હેઠળ કરવામાં આવી હતી.

પોલીસને બાતમી મળી હતી કે એક વ્યક્તિ નંબર વિનાની પીળા કલરની ઓટો રીક્ષા લઈને ચિલોડાથી દહેગામ તરફ જઈ રહ્યો છે. આ બાતમીના આધારે, પોલીસે દહેગામ-ચિલોડા હાઇવે પર સોલંકીપુરા પાટિયા નજીક વોચ ગોઠવી. વોચ દરમિયાન પોલીસે જયેશકુમાર ઉર્ફે જયલો ઉર્ફે બાદશાહ ગૌરીશંકર છોટાલાલ રાવલ (ઉંમર 46) નામના આરોપીને ઝડપી પાડ્યો.

પોલીસે તેની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી અને તપાસમાં જાણવા મળ્યું કે તેનો એક સાથી જયદિપ ઉર્ફે લાલો ડાહ્યાભાઈ રાવલ પણ આ ચોરીમાં સામેલ છે. પોલીસે આ બંને આરોપીઓ પાસેથી કુલ બે ઓટો રીક્ષા રિકવર કરી.

આ ગુનાઓમાં એક રીક્ષા મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાઈ હતી, અને બીજી રીક્ષા અમદાવાદ શહેરના નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાઈ હતી. રિકવર થયેલી રીક્ષામાંથી એકનો નંબર GJ-18-BY-2829 છે, જેની કિંમત આશરે બે લાખ ચાલીસ હજાર રૂપિયા છે. બીજી રીક્ષાનો નંબર GJ-23-AV-4099 છે, જેની કિંમત આશરે બે લાખ પચાસ હજાર રૂપિયા છે.

આરોપીઓ રીક્ષા ચોરી કરવા માટે વધારાનું ચાવીનું સોકેટ સાથે રાખતા હતા અને તેનો ઉપયોગ કરી ચોરી કરતા હતા. તેઓ ખાસ કરીને સિવિલ હોસ્પિટલ જેવી જાહેર જગ્યાના પાર્કિંગમાંથી રીક્ષા ચોરવાનું ટાર્ગેટ કરતા હતા. મુખ્ય આરોપી જયેશકુમારનો ગુનાહિત ઇતિહાસ પણ લાંબો છે, જેમાં ગાંધીનગર, મહેસાણા, સુરત, વડોદરા, અને ભરૂચ સહિતના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં દાખલ થયેલા કુલ 16 કેસનો સમાવેશ થાય છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!