ગુજરાતમાં ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટનું અમિત શાહે લોકાર્પણ કર્યું. એક નંબરથી પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડની સેવા હવે GPSથી સજ્જ વાહનો સાથે ઝડપથી ઉપલબ્ધ. વાંચો વિગતો.

ગાંધીનગર, સોમવાર
ગાંધીનગર, 01 સપ્ટેમ્બર 2025: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટનું લોકાર્પણ કરી રાજ્યની જનતાને એકીકૃત ઇમરજન્સી સેવાનું તોરણ બાંધ્યું. આ પ્રોજેક્ટ હેઠળ હવે એક જ નંબર 112 ડાયલ કરીને પોલીસ, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની સેવાઓ ઝડપથી મળશે. અમિત શાહે જણાવ્યું કે, આ પહેલથી ગુજરાતની જનતા ટોલ ફ્રી નંબરોના જટિલ ગુંચવાડામાંથી મુક્ત થઈ છે, જેમાં અગાઉ પોલીસ માટે 100, એમ્બ્યુલન્સ માટે 108, ફાયર માટે 101 જેવા અલગ-અલગ નંબરો હતા.
અમિત શાહનો ગુજરાત પ્રવાસ: 8 કાર્યક્રમોમાં સહભાગિતા
અમિત શાહે અમદાવાદ અને ગાંધીનગરમાં કુલ 8 કાર્યક્રમોમાં ભાગ લીધો. તેમણે અમદાવાદમાં ગોતા વોર્ડના ઓગણજ અને ચાંદલોડિયા વોર્ડમાં વંદે માતરમ અર્બન હેલ્થ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. આ ઉપરાંત, નવા વાડજ અને રાણીપમાં વૃક્ષારોપણ કરી લોકો સાથે શુભેચ્છા મુલાકાત કરી. લાલદરવાજા ખાતે ભદ્રકાળી માતાજીના દર્શન બાદ ટોરેન્ટ ગ્રુપ-UNM ફાઉન્ડેશન દ્વારા પુન:વિકસિત સરદાર બાગનું લોકાર્પણ કર્યું. ઘાટલોડિયાની ફાઇવ પીટલ હોટલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શહેર પ્રમુખ પ્રેરક શાહ અને ધારાસભ્ય હર્ષદ પટેલ સાથે ભોજન લીધું અને સોસાયટીના પ્રમુખો તેમજ નાગરિકો સાથે મુલાકાત કરી.
જનરક્ષક 112: GPS અને આધુનિક ટેકનોલોજીનો સમન્વય
ડાયલ 112 પ્રોજેક્ટ હેઠળ 500 જનરક્ષક વાહનો, ગુજરાત પોલીસના 534 વાહનો અને 217 કરોડના ખર્ચે નિર્મિત પોલીસ આવાસોનું લોકાર્પણ કરાયું. આ વાહનો GPSથી સજ્જ છે અને આધુનિક કંટ્રોલ રૂમ દ્વારા સંચાલિત થાય છે. આ સિસ્ટમ કોલરનું લોકેશન શોધી નજીકની એમ્બ્યુલન્સ, પોલીસ કે ફાયર બ્રિગેડને તાત્કાલિક મોકલે છે. અમદાવાદમાં 24 કલાક ચાલતું સ્ટેટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર 150 સીટોની ક્ષમતા સાથે કાર્યરત રહેશે. આ પ્રોજેક્ટ માટે ગુજરાત સરકાર વાર્ષિક 92 કરોડ રૂપિયા ખર્ચ કરશે.
સ્માર્ટ પોલીસિંગની દિશામાં મોટું પગલું
અમિત શાહે જણાવ્યું કે, ડાયલ 112 એ ન્યૂ એજ સ્માર્ટ પોલીસિંગની દિશામાં મહત્વનું પગલું છે. આ વાહનોમાં લાઇટ બાર, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, MDVT વાયરલેસ સેટ અને લોકેશન ટ્રેકર જેવી સુવિધાઓ છે, જે ઝડપી અને અસરકારક સેવા પૂરી પાડશે. આ પહેલ ગુજરાતની જનતાને સુરક્ષા અને સલામતીની નવી ગેરંટી આપે છે.










