રામ મંદિરમાં દાન ચોરી કાંડ: હવે ખિસ્સા વગરના કપડાંમાં અને જમીન પર બેસીને થશે ગણતરી

અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરીની ઘટના બાદ ટ્રસ્ટે સુરક્ષા કડક કરી છે. હવે કર્મચારીઓએ ખિસ્સા વગરના ડાર્ક બ્લુ કપડાં પહેરી, જમીન પર બેસીને દાન ગણવું પડશે.

અયોધ્યા, શનિવાર
અયોધ્યાના રામ મંદિરમાં તાજેતરમાં સામે આવેલા દાન ચોરીના કેસ પછી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ એકદમ સતર્ક થઈ ગયું છે. ભવિષ્યમાં આવી કોઈ ગેરરીતિ ન થાય તે માટે દાનની ગણતરી પ્રક્રિયામાં ધરમૂળથી ફેરફારો કરવામાં આવ્યા છે. કાઉન્ટિંગ સિસ્ટમને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે કેટલાક કડક નિયમો લાગુ કરાયા છે.

કાઉન્ટિંગ માટે નવો ડ્રેસ કોડ અને ડબલ ચેકિંગ
દાનની ગણતરી કરતા કર્મચારીઓ માટે હવે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવાઈ છે. કાઉન્ટિંગ હોલમાં પ્રવેશતા પહેલા દરેક વ્યક્તિએ 2 તબક્કાની કડક સુરક્ષા તપાસમાંથી પસાર થવું પડશે. આ ઉપરાંત, એક ખાસ નવો ડ્રેસ કોડ પણ નક્કી કરાયો છે. ગણતરી કરનાર તમામ કર્મચારીઓએ હવે ફરજિયાતપણે ડાર્ક બ્લુ રંગના એવા કપડાં પહેરવાના રહેશે જેમાં એક પણ ખિસ્સું ન હોય.

ટેબલ-ખુરશી હટાવાયા, મોબાઈલ પર પ્રતિબંધ
પહેલાં દાનની ગણતરી ટેબલ અને ખુરશી પર થતી હતી, પણ નવા નિયમ મુજબ હવે કર્મચારીઓએ જમીન પર બેસીને જ રકમ ગણવાની રહેશે. સુરક્ષાના ભાગરૂપે કાઉન્ટિંગ હોલની અંદર મોબાઈલ ફોન, કેમેરા, બેગ કે અન્ય કોઈ અંગત સામાન લઈ જવા પર સંપૂર્ણ મનાઈ ફરમાવી દેવામાં આવી છે. કર્મચારીઓએ પોતાના જૂતા અને ચપ્પલ પણ હોલની બહાર જ ઉતારવા પડશે.

કેવી રીતે થતી હતી ચોરી?
આ કથિત ચોરી કેસના મુખ્ય આરોપી અનુકલ્પ મિશ્રા વિશે ચોંકાવનારી વિગતો સામે આવી છે. તે ‘વ્યવસ્થા કાર્યકર્તા’ નામના એન્ટ્રી પાસનો દુરુપયોગ કરતો હતો. મંદિરમાં જ્યારે પણ કોઈ વિશેષ કાર્યક્રમ હોય ત્યારે તેના નામે આ પાસ બનતો. આ જ પાસની મદદથી તે મંદિર પરિસરમાં અને દાન ગણતરીની પ્રક્રિયામાં ઘૂસી જતો અને ચોરીને અંજામ આપતો હતો.

દોષિતોને ફાંસી આપવાની માંગ
ભગવાનના દરબારમાં થયેલી આ ચોરીથી શ્રદ્ધાળુઓ અને ટ્રસ્ટના સભ્યોમાં ભારે આક્રોશ છે. ટ્રસ્ટના સભ્ય મહંત દિનેન્દ્ર દાસ મહારાજે આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે. તેમણે સ્પષ્ટ માંગ કરી છે કે ભગવાનના ઘરમાં આવો જઘન્ય અપરાધ કરનારાઓને સીધી ફાંસીની સજા જ મળવી જોઈએ. મંદિરમાં વ્યવસ્થા સુધારવા લેવાયેલા આ નવા પગલાંથી ભવિષ્યમાં આવી ઘટનાઓ પર ચોક્કસ લગામ લાગશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!