અમદાવાદની નરોડા પોલીસે નાના ચીલોડા પાસે બિસ્કિટના બોક્સમાં છુપાવેલું 14 કરોડથી વધુની કિંમતનું મેથામ્ફેટામાઇન ડ્રગ્સ ઝડપી પાડ્યું. મુંબઈના શખ્સની ધરપકડ, જાણો આંતરરાષ્ટ્રીય કનેક્શન.

અમદાવાદ, મંગળવાર
ગુજરાતમાં ડ્રગ્સના કાળા કારોબાર પર પોલીસ સતત કડક કાર્યવાહી કરી રહી છે. લેટેસ્ટ ઘટનામાં અમદાવાદની નરોડા પોલીસને એક ખૂબ મોટી સફળતા હાથ લાગી છે. પોલીસે નાના ચીલોડા સર્કલ પાસેથી કરોડો રૂપિયાનું આંતરરાષ્ટ્રીય કનેક્શન ધરાવતું મેથામ્ફેટામાઇન ડ્રગ્સ પકડી પાડ્યું છે. ડ્રગ્સ માફિયાઓ પોલીસની નજરથી બચવા માટે નવી-નવી તરકીબો અજમાવી રહ્યા છે, ત્યારે આ કેસમાં બિસ્કિટના બોક્સની આડમાં થતી ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ થયો છે.
બિસ્કિટના બોક્સમાંથી નીકળ્યો મોતનો સામાન
પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે નરોડા પોલીસે નાના ચીલોડા ગરનાળા પાસે વોચ ગોઠવી હતી. ત્યાંથી પસાર થતા એક શંકાસ્પદ શખ્સને રોકીને તેની તલાશી લેવામાં આવી. પૂછપરછમાં તેનું નામ મહોમદસાજીદ શેખ હોવાનું ખૂલ્યું, જે મુંબઈનો રહેવાસી છે.
પોલીસે જ્યારે તેની પાસે રહેલી ટ્રાવેલ બેગ ખોલી, તો અંદરથી બિસ્કિટના 5 મોટા બોક્સ મળી આવ્યા. આ બોક્સ ખોલતા પોલીસ પણ ચોંકી ગઈ, કારણ કે તેમાં ખાવાના સામાનના બદલે મેથામ્ફેટામાઇન ડ્રગ્સનો પાવડર અને ટુકડા સંતાડવામાં આવ્યા હતા. પોલીસે આરોપીને રંગેહાથ દબોચી લીધો હતો.
આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ: માત્ર 10 હજાર માટે ડિલિવરી!
પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા એક મોટા આંતરરાષ્ટ્રીય નેટવર્કનો ખુલાસો થયો છે.આરોપી મહોમદસાજીદ શેખ એક નાઇજીરિયન વ્યક્તિના સંપર્કમાં હતો, જેનું નામ ‘ક્યુબેન’ હોવાનું જાણવા મળ્યું છે.
આ નાઇજીરિયન હેન્ડલરની સૂચનાથી આરોપી મુંબઈથી રાજસ્થાનના જયપુર ગયો હતો. જયપુરના સિંધી કેમ્પ બસ સ્ટેશન પર એક અજાણ્યા માણસે તેને આ ડ્રગ્સ ભરેલી બેગ આપી હતી.આરોપી આ ડ્રગ્સ લઈને વાયા અમદાવાદ થઈને મુંબઈ સપ્લાય કરવા જઈ રહ્યો હતો.સૌથી ચોંકાવનારી વાત એ છે કે, કરોડો રૂપિયાના આ ડ્રગ્સની આખી ડિલિવરી ટ્રીપ માટે આરોપીને માત્ર 10,000 રૂપિયાનું મહેનતાણું મળવાનું હતું.
14 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
પોલીસે આરોપી પાસેથી 7084.0 ગ્રામ (અંદાજે 7 કિલોથી વધુ) મેથામ્ફેટામાઇન ડ્રગ્સ જપ્ત કર્યું છે. બજારમાં 1 ગ્રામ ડ્રગ્સની કિંમત આશરે 20,000 રૂપિયા થાય છે. તે હિસાબે પકડાયેલા ડ્રગ્સની કુલ કિંમત 14,16,80,000 રૂપિયા થાય છે. આ સાથે પોલીસે મોબાઈલ ફોન, રોકડા રૂપિયા, આધાર કાર્ડ અને બેગ સહિત કુલ 14,16,94,820 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.











