દિલ્હીથી ગોવા જતી ઇન્ડિગોની ફ્લાઇટનું મુંબઈ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે

નવી દિલ્હી,બુધવાર: દિલ્હીથી ગોવા જતી ઇન્ડિગોની ફ્લાઇટનું મુંબઈ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. પીટીઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે બુધવારે એક ઇન્ડિગો પ્લેનનું એક એન્જિન ખરાબ થવાના કારણે મુંબઈ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટથી ઇન્ડિગો પ્લેન ઉડાન ભર્યા પછી, પાઇલટે રાત્રે લગભગ 9:25 વાગ્યે કટોકટીની સ્થિતિ વિશે એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ને જાણ કરી હતી. આ પછી, રાત્રે લગભગ 9:42 વાગ્યે વિમાનને મુંબઈ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું. વિમાનના સુરક્ષિત લેન્ડિંગ પછી, બધા મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
ઇન્ડિગોના પ્રવક્તાએ નિવેદન જારી કરીને કહ્યું કે, ‘ટેકનિકલ ખામીને કારણે ફ્લાઇટ નંબર 6E-231 ને પ્રાથમિકતાના ધોરણે મુંબઈમાં લેન્ડ કરવામાં આવી છે. વિમાનનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન પર લઈ જવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મુસાફરોને થયેલી અસુવિધા બદલ અમને દુઃખ છે.’











