આ સંકટને કારણે, સ્વચ્છતા પુરસ્કારો હોવા છતાં, ગાંધીનગરના નાગરિકો સ્વચ્છતાના મૂળભૂત અધિકારથી વંચિત છે અને રોગચાળાના ભય હેઠળ જીવી રહ્યા છે.

ગાંધીનગર, ગુરૂવાર
એક સમયે ગ્રીન સિટી અને સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા ગાંધીનગરને તાજેતરમાં જ સ્વચ્છતાનો એવોર્ડ મળ્યો હતો, પરંતુ હાલમાં શહેરના મોટાભાગના વિસ્તારો ગટરના ગંદા પાણીથી ખદબદી રહ્યા છે. ડ્રેનેજ ઉભરાવવાની આ વ્યાપક સમસ્યાએ નાગરિકોમાં રોગચાળાનો ભય ઉભો કર્યો છે, અને તંત્ર જાણે લાચાર હોય તેમ ફરિયાદો માત્ર કાગળ પર જ રહી ગઈ છે.
શહેરના સેક્ટર-4B માં પ્લોટ નંબર 365-2 પાસે ઘણા સમયથી ગટર ઉભરાઈ રહી છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે સેક્ટર-3ની ઇન્ક્વાયરી ઓફિસમાં અનેકવાર ફરિયાદ કરવામાં આવી છે, છતાં કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. કર્મચારીઓ સ્થળની મુલાકાત લેવાની પણ તસ્દી લેતા નથી. આ ગંદકીના કારણે આ મકાનમાં રહેતી 3 વર્ષની બાળકી બીમાર પડી છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી છે. આસપાસના રહેવાસીઓમાં પણ રોગચાળાનો ભય સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે, પરંતુ સ્થાનિક પ્રશાસન એક પણ ફરિયાદને ગંભીરતાથી લેતું નથી.
આવી જ પરિસ્થિતિ શહેરના અન્ય ઘણા સેક્ટરોમાં પણ પ્રવર્તી રહી છે. સેક્ટર-15માં ડ્રેનેજનું પાણી એટલી હદે ઉભરાઈ રહ્યું છે કે આંગણવાડી અને પ્રાથમિક શાળાના પરિસરમાં પણ ગંદુ પાણી ભરાઈ ગયું છે, જેના કારણે બાળકો આ ગંદા વાતાવરણમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. ગ રોડ પર મેઈન ડ્રેનેજ લાઈનની ચેમ્બર ધસી પડવાને કારણે આ સ્થિતિ સર્જાઈ છે, જ્યારે ખ રોડ પર ચાલી રહેલા ડ્રેનેજના કામને કારણે જોડાણ બંધ કરાતા અનેક વિસ્તારોમાં ગટરનું ગંદુ પાણી બેક મારી રહ્યું છે, જેનાથી નાગરિકોની મુશ્કેલીઓ વધી રહી છે.











