FASTag વાર્ષિક પાસ હવે દેશભરમાં ઉપલબ્ધ છે. 3,000ના એક જ પેમેન્ટમાં એક વર્ષ માટે ટોલની ચિંતાથી છુટકારો મેળવો. પાસ કેવી રીતે ખરીદવો, તેને એક્ટિવેટ કરવાની પ્રક્રિયા અને તેની શરતો વિશે વિગતવાર જાણો.

અમદાવાદ, શુક્રવાર
ભારતમાં નેશનલ હાઈવે પર મુસાફરી કરતા વાહનચાલકો માટે એક મોટા સમાચાર છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા હવે FASTag વાર્ષિક પાસની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ પાસની મદદથી તમે એક જ વાર પેમેન્ટ કરીને આખા વર્ષ માટે ટોલ ટેક્સની ચિંતામાંથી મુક્તિ મેળવી શકો છો. આ સુવિધા 15 ઓગસ્ટ, 2025થી ઉપલબ્ધ થઈ ગઈ છે.
શું છે FASTag વાર્ષિક પાસ?
FASTag વાર્ષિક પાસ એક વન-ટાઈમ પ્રીપેડ યોજના છે, જે ફક્ત વ્યક્તિગત કાર, જીપ અને વાન માટે છે. આ પાસની મદદથી વાહનચાલકો એક વર્ષ અથવા 200 ટ્રિપ્સ (જે પહેલા થાય તે) માટે ટોલ પ્લાઝા પર વારંવાર ચુકવણી કર્યા વિના સરળતાથી પસાર થઈ શકે છે. આ પાસની સૌથી મોટી ખાસિયત એ છે કે આને વારંવાર રિચાર્જ કરવાની જરૂર નથી પડતી.
પાસ ક્યાંથી ખરીદી શકાય અને તેની કિંમત શું છે?
આ વાર્ષિક પાસ ખરીદવા માટે તમારે NHAIના રાજમાર્ગ યાત્રા એપ પર જવું પડશે. આ એપ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. આ પાસની કિંમત 3,000 છે. આ પેમેન્ટ તમે UPI, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા કરી શકો છો.
પાસ એક્ટિવેટ કરવાની પ્રક્રિયા
* યોગ્યતાની ખાતરી કરો: સૌ પ્રથમ, ખાતરી કરો કે તમારી ગાડી પર સક્રિય FASTag લગાવેલો છે અને તે બ્લેકલિસ્ટ થયેલો નથી.
* પ્લેટફોર્મ પર જાઓ: રાજમાર્ગ યાત્રા એપ અથવા NHAIની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
* માહિતી દાખલ કરો: તમારા FASTag ID અને વાહન રજિસ્ટ્રેશન નંબર (VRN) દાખલ કરો.
* ચુકવણી કરો: 3,000નું પેમેન્ટ કરો.
* એક્ટિવેશન: પેમેન્ટ કર્યાના બે કલાકની અંદર તમારો પાસ એક્ટિવેટ થઈ જશે અને તમને તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર SMS દ્વારા કન્ફર્મેશન મળશે.
આ ખાસ શરતો ધ્યાનમાં રાખો
* એક વાહન માટે માન્ય: આ પાસ ફક્ત તે જ વાહન માટે માન્ય છે જેના FASTag સાથે તે લિંક થયેલો છે. આને બીજા કોઈ વાહનમાં ટ્રાન્સફર કરી શકાતો નથી.
* રકમ પાછી નહીં મળે: પાસ માટે કરેલું પેમેન્ટ નોન-રિફંડેબલ છે. ભલે તમે પાસનો ઉપયોગ કરો કે ન કરો, પૈસા પાછા નહીં મળે.
* મર્યાદિત કવરેજ: આ પાસ માત્ર NHAI દ્વારા સંચાલિત નેશનલ હાઈવે અને એક્સપ્રેસવે પર જ માન્ય છે. તે રાજ્યના હાઈવે કે પ્રાઇવેટ ટોલ રોડ પર લાગુ પડતો નથી.
* ઓટો-રિન્યુઅલ નથી: પાસની સમયમર્યાદા પૂરી થયા બાદ તે આપમેળે રિન્યુ નહીં થાય. તમારે ફરીથી પાસ ખરીદવો પડશે.











