યુરોપિયન દેશ ફ્રાન્સમાં વધતી જતી મોંઘવારી અને જાહેર સેવાઓની કથળતી સ્થિતિને લઈને શરૂ થયેલા વિરોધ પ્રદર્શનોએ હવે અત્યંત હિંસક અને ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું છે

યુરોપિયન દેશ ફ્રાન્સમાં વધતી જતી મોંઘવારી અને જાહેર સેવાઓની કથળતી સ્થિતિને લઈને શરૂ થયેલા વિરોધ પ્રદર્શનોએ હવે અત્યંત હિંસક અને ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું છે. પેરિસ, માર્સેલી, લ્યોન અને લિમોજ સહિતના અનેક પ્રમુખ શહેરોમાં રમખાણો, આગજની અને મોટા પાયે લૂંટફાટની ઘટનાઓ સામે આવી છે. દેશમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ જતાં ફ્રેંચ સરકારે સ્થિતિ પર કાબૂ મેળવવા માટે સુરક્ષા બંદોબસ્ત અત્યંત સખત બનાવી દીધો છે.
સ્થાનિક સ્તરે કરફ્યુનો આદેશ અને ઇમરજન્સીની ચેતવણી
સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફ્રાન્સના વડાપ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુએ સોમવારે મહત્વની જાહેરાત કરી હતી. તેમણે સ્થાનિક તંત્ર અને નગરપાલિકાઓને હિંસા પ્રભાવિત વિસ્તારોમાં સીમિત અને આંશિક કરફ્યુ (Curfew) લાગુ કરવા માટે આદેશ આપ્યો છે.
આ સાથે જ વડાપ્રધાને સ્પષ્ટ સંકેત આપ્યા છે કે જો પરિસ્થિતિ વધુ વણસશે તો સરકાર પાસે સમગ્ર દેશમાં ‘ઇમરજન્સી’ (State of Emergency – કટોકટી) જાહેર કરવાનો વિકલ્પ ખુલ્લો છે. તેમણે જણાવ્યું હતું કે- જો સ્થિતિ માંગ કરશે અને શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે જરૂરી જણાશે, તો અમે ઇમરજન્સી લાગુ કરવાથી પાછળ નહીં હટીએ.










