ટ્રેડિંગના નામે કરોડોની ઠગાઈ: જીગીષા જાધવ નામની મહિલાની ધરપકડ, થયો મોટો ખુલાસો

અમદાવાદ અને સુરતમાં ટ્રેડિંગના નામે કરોડોની છેતરપિંડી આચરનાર જીગીષા જાધવની ધરપકડ. ‘ગ્રો મની’ કંપની દ્વારા 37થી વધુ લોકો પાસેથી રૂ. 2.43 કરોડથી વધુની છેતરપિંડીનો પર્દાફાશ. જાણો આ કૌભાંડની સંપૂર્ણ વિગત.

અમદાવાદ, બુધવાર
ગુજરાતમાં ટ્રેડિંગ અને રોકાણના નામે ચાલતી છેતરપિંડીની ઘટનાઓ અવારનવાર સામે આવે છે, પરંતુ આ વખતે એક મહિલાએ કરોડો રૂપિયાનો ફ્રોડ કરીને પોલીસને પણ ચોંકાવી દીધી છે. શેરબજારમાં ટ્રેડિંગના નામે ઊંચું વળતર આપવાની લાલચ આપીને કરોડોની ઠગાઈ આચરનાર જીગીષા જાધવ નામની એક મહિલાની ચાંદખેડા પોલીસે સુરતથી ધરપકડ કરી છે.

કઈ રીતે થયું કૌભાંડ?
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી જીગીષાએ પહેલા શેરબજારનો અનુભવ લીધો. બાદમાં તેણે ‘ગ્રો મની’ નામની એક અનરજિસ્ટર્ડ કંપની શરૂ કરી. આ કંપની દ્વારા તેણે પોતાના પરિચિત લોકોને ટાર્ગેટ કર્યા અને 3 મહિનાના રોકાણ પર 20થી 23 ટકા જેટલું ઊંચું રિટર્ન આપવાનું પ્રોમિસ આપ્યું.

શરૂઆતમાં તેણે કેટલાક રોકાણકારોને થોડું વળતર આપીને વિશ્વાસ કેળવ્યો. આ પછી, કુલ 37 જેટલા લોકોએ કુલ રૂ. 2.43 કરોડનું રોકાણ કર્યું. જ્યારે રોકાણકારોએ તેમની મૂડી અને રિટર્ન માગવાનું શરૂ કર્યું, ત્યારે જીગીષાએ પેમેન્ટ આપવાનું બંધ કરી દીધું અને સંપર્ક તોડી નાખ્યો.

આ કૌભાંડનો ભોગ બનેલા લોકોમાં અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં રહેતા સપનાબેન પીઠડિયા પણ છે. તેઓ જીગીષાને ગાંધીનગરની ઇન્ફોસિટી કંપનીમાં સાથે નોકરી કરતા હતા. સપનાબેને પોતાના અને તેમના મિત્ર વર્તુળના 34 લોકોના કુલ રૂ. 1.88 કરોડનું રોકાણ જીગીષા મારફતે કરાવ્યું હતું.

પહેલા પણ નોંધાયા છે કેસ
જીગીષા જાધવ સામે ફક્ત આ એક જ કેસ નથી. વેજલપુર પોલીસ સ્ટેશનમાં રૂ. 25 લાખની છેતરપિંડીનો કેસ પણ નોંધાયેલો છે, અને CID ક્રાઈમમાં રૂ. 6 કરોડની અરજી પણ નોંધાઈ છે. પોલીસે શંકા વ્યક્ત કરી છે કે જીગીષાએ 40થી 50 લોકો સાથે આ રીતે છેતરપિંડી કરી છે અને અન્ય રાજ્યોમાં પણ આવી જ રીતે રોકાણકારોને ફસાવ્યા હોઈ શકે છે.

કૌભાંડના પૈસાનું શું કર્યું?
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે જીગીષાએ આ છેતરપિંડીથી મેળવેલા પૈસાનું અલગ-અલગ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. તેણે સુરતના પાલ વિસ્તારમાં ચાર મકાનો, જમીન અને મોટી માત્રામાં દાગીના ખરીદ્યા છે. પોલીસે હવે આરોપી સામે GPID એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે, જેના દ્વારા તેની તમામ સંપત્તિ જપ્ત કરવામાં આવશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!