લાખોની છેતરપિંડી! નકલી સરકારી નોકરીના ઓફર લેટર્સથી આંતરરાજ્ય જોબ ફ્રોડનો પર્દાફાશ, ઝારખંડનો મુખ્ય આરોપી ઝડપાયો

અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય જોબ ફ્રોડનો પર્દાફાશ કર્યો. નકલી ઈન્કમટેક્સ ઓફિસર બનીને લાખોની છેતરપિંડી કરનાર ઝારખંડના મુખ્ય આરોપી અમન કુમારની ધરપકડ. જાણો કેવી રીતે તે નકલી સરકારી ડોમેનનો ઉપયોગ કરતો હતો.

અમદાવાદ, મંગળવાર
નોકરીની શોધમાં રહેલા યુવાનોને સરકારી વિભાગોમાં નોકરી આપવાની લાલચ આપીને લાખો રૂપિયાની છેતરપિંડી કરનારા એક મોટા આંતરરાજ્ય રેકેટનો અમદાવાદ શહેર પોલીસની સાયબર ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ રેકેટના મુખ્ય આરોપી અમન કુમાર (ઉં.વ.36)ની ઝારખંડના ધનબાદમાંથી ધરપકડ કરીને વધુ તપાસ માટે 8 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

આરોપીની મોડસ ઓપરેન્ડી અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ઝારખંડના ધનબાદનો રહેવાસી અમન કુમાર પોતાને નકલી ઈન્કમટેક્સ ઓફિસર તરીકે ઓળખાવતો હતો. તે ઈન્કમટેક્સ, રેલવે, અને ભારતીય ફૂડ વિભાગ જેવા વિવિધ સરકારી વિભાગોના નકલી ડોમેન બનાવીને લોકોને ફસાવતો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપી બનાવટી ઈ-મેઈલ આઈડીનો ઉપયોગ કરતો અને પીડિતોને કર્ણાટક અને ગોવા, બેંગલુરુના મુખ્ય ઈન્કમટેક્સ કમિશનરની કથિત સહીવાળા નકલી નિમણૂક પત્રો મોકલીને વિશ્વાસમાં લેતો હતો. છેતરપિંડી આચરવા માટે તે બેંગલુરુ અને કોલકાતામાં નકલી ઇન્ટરવ્યુ અને ટ્રેનિંગનું પણ આયોજન કરતો હતો, જેમાં ઉમેદવારો પાસેથી પ્રોસેસિંગ ફી અને વેરિફિકેશન ચાર્જ તરીકે મોટી રકમ વસૂલવામાં આવતી હતી.

પોલીસ ઇન્સ્પેક્ટરની દીકરી સાથે પણ છેતરપિંડી
આ રેકેટનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે ઝારખંડ સરકારના એક પોલીસ ઇન્સ્પેક્ટરની પુત્રી સાથે ઈન્કમટેક્સમાં નોકરી આપવાના બહાને આરોપીએ 9.30 લાખ રૂપિયા પડાવી લીધા. આ મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી અને મુખ્ય આરોપી અમન કુમારને ઝડપી પાડ્યો.

આ રીતે બનાવતો હતો નકલી ડોમેન
ધોરણ 12 પાસ અને ટેલી-કમ્પ્યુટર એકાઉન્ટિંગનો કોર્સ કરેલો આ આરોપી સરકારી વેબસાઇટ જેવી જ દેખાતી નકલી વેબસાઇટ્સ માટે નીચેના જેવા ડોમેનનો ઉપયોગ કરતો હતો:

incometaxemployeecornerhrms.info
pwdmaha.info
indiapostgov.org
railnetgov.com

આરોપીનો ગુનાહિત ઈતિહાસ અને 100 થી વધુ ફરિયાદો: પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી અમન કુમારનો ગુનાહિત ઇતિહાસ લાંબો છે. વર્ષ 2023માં પણ તેની ધરપકડ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI), મુંબઈ દ્વારા જોબ કૌભાંડના મામલે કરવામાં આવી હતી. તે સમયે તેણે ‘રૂપેશ’ તરીકે ઓળખ આપીને ઓછામાં ઓછા 14 યુવાનો સાથે છેતરપિંડી કરી હતી અને CBIએ તેની પાસેથી નકલી સરકારી સીલ અને નિમણૂક પત્રો સહિત રૂ.14 લાખથી વધુની રોકડ જપ્ત કરી હતી.

CBI કેસમાં જામીન પર છૂટ્યા પછી પણ આરોપીએ ફરીથી છેતરપિંડી કરવાનું શરૂ કરી દીધું હતું. સાયબર ક્રાઇમ અધિકારીઓએ જણાવ્યું કે, ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) પર તેના બેંક ખાતાઓ સાથે જોડાયેલી 100 થી વધુ ઓનલાઈન ફરિયાદો નોંધાયેલી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!