ગઢડાના જુના સ્વામિનારાયણ મંદિરમાં જુગારધામ ઝડપાયું: 6 લોકોની ધરપકડ અને લાખોનો મુદ્દામાલ જપ્ત

ગઢડાના જૂના સ્વામિનારાયણ મંદિરમાં પોલીસે રેડ કરીને એક જુગારધામનો પર્દાફાશ કર્યો છે. 6 શખ્સોને લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. આ ઘટનાએ ધાર્મિક સ્થળોની સુરક્ષા પર સવાલો ઉભા કર્યા છે.

ગઢડા, રવિવાર
બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવેલા જૂના સ્વામિનારાયણ મંદિરમાં ચાલી રહેલા જુગારધામ પર પોલીસે દરોડો પાડીને છ આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. પોલીસે જુગાર રમતા શખ્સો પાસેથી કુલ 1.70 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં રોકડ અને મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે.

મંદિરના ઉતારા વિભાગમાં ચાલતો હતો જુગાર
પોલીસને બાતમી મળી હતી કે, જૂના સ્વામિનારાયણ મંદિરના ઉતારા વિભાગમાં આવેલા રૂમ નંબર 509માં મોટા પાયે જુગાર ચાલી રહ્યો છે. આ બાતમીના આધારે ગઢડા પોલીસે તાત્કાલિક એક્શન લીધી હતી અને દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન, રૂમમાં 6 શખ્સો પૈસાની હાર-જીતનો જુગાર રમતા રંગેહાથ પકડાયા હતા. આ જુગારધામ રૂમ નંબર 509માં રહેતા હરિકૃષ્ણ ગભરુભાઈ વાઘ ઉર્ફે પાર્ષદ હરિકૃષ્ણ ગુરુ છત્રભુજદાસજી સ્વામી ચલાવતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

કોની કોની ધરપકડ કરવામાં આવી?
પોલીસે જુગાર રમતા હરિકૃષ્ણ વાઘ, જીગ્નેશ કાવઠીયા, રાજેશ સાવલીયા, લાલજી વાઘેલા, પરેશ જોગાણી અને કેવલ કાવઠીયાની ધરપકડ કરી છે. સ્થળ પરથી પોલીસે 1,10,850 રૂપિયા રોકડા અને આઠ મોબાઈલ ફોન સહિત કુલ 1,70,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ એક ધાર્મિક અને શ્રદ્ધાના સ્થળે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોવાનું સામે આવતા લોકોમાં આશ્ચર્ય અને રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમો હેઠળ ગુનો નોંધીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!