ગાંધીનગર: અલ્તાફ ‘સાહિલ’ બની 17 વર્ષની કિશોરીને પ્રેમજાળમાં ફસાવી, હિન્દુ સંગઠનોએ રંગેહાથ પકડી પોલીસને સોંપ્યો

ગાંધીનગરના સેક્ટર 24માં પોતાની ઓળખ છુપાવી સગીરાનું શોષણ કરનાર અલ્તાફ ઉર્ફે સાહિલ દેસાઈને હિન્દુ સંગઠનોએ ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગર, શુક્રવાર
ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં ફરી એકવાર ધર્મ છુપાવીને સગીરાને પ્રેમજાળમાં ફસાવવાનો કિસ્સો સામે આવતા ચકચાર મચી ગઈ છે. ગાંધીનગરના સેક્ટર 26માં રહેતા અલ્તાફ લુહાર નામના યુવકે પોતાનું સાચું નામ છુપાવી સાહિલ દેસાઈ તરીકેની ઓળખ આપી હતી. તેણે સેક્ટર 24માં રહેતી 17 વર્ષની સગીરાને પોતાની જાળમાં ફસાવી તેનું શારીરિક શોષણ કર્યું હોવાની વિગતો બહાર આવી છે.

ઇન્સ્ટાગ્રામથી શરૂ થઈ હતી વાત
પ્રાપ્ત વિગતો અનુસાર, ગાંધીનગરના સેક્ટર 24માં રહેતી અને ધોરણ 10માં અભ્યાસ કરતી આ સગીરાનો સંપર્ક અલ્તાફ વલીભાઈ ખાન લુહારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ દ્વારા કર્યો હતો. અલ્તાફે પોતે હિન્દુ હોવાનું કહી સાહિલ દેસાઈ તરીકેની ખોટી ઓળખ આપી હતી. સગીરાની માસૂમિયતનો લાભ ઉઠાવી તેણે મિત્રતા કરી અને પછી પ્રેમની જાળમાં ફસાવી સતત તેનું શારીરિક શોષણ કરવાનું શરૂ કર્યું હતું.

પરિવારે અગાઉ આપી હતી ચેતવણી
આ સમગ્ર મામલે આશરે 6 મહિના પહેલા સગીરાના પરિવારને જાણ થઈ હતી. તે સમયે પરિવારે અલ્તાફને બોલાવીને કડક શબ્દોમાં ઠપકો આપ્યો હતો અને દીકરીથી દૂર રહેવા માટે સ્પષ્ટ ચેતવણી આપી હતી. આમ છતાં, અલ્તાફ પોતાની હરકતોથી અટક્યો નહોતો. આજે જ્યારે સગીરા ઘરે એકલી હતી, ત્યારે અલ્તાફ ચોરીછૂપીથી તેના ઘરે પહોંચી ગયો હતો.

હિન્દુ સંગઠનોએ મકાનના ત્રીજા માળેથી ઝડપ્યો
અલ્તાફ સગીરાના ઘરે પહોંચ્યો હોવાની જાણ પાડોશીઓને થતાં જ તેમણે તાત્કાલિક વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોને જાણ કરી હતી. સંગઠનના કાર્યકરો તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મકાનના ત્રીજા માળે આવેલા એક રૂમનો દરવાજો ખોલાવતા અલ્તાફ અને સગીરા ત્યાં વાંધાજનક હાલતમાં મળી આવ્યા હતા.

કાર્યકરોએ જ્યારે યુવકનો મોબાઈલ ફોન તપાસ્યો ત્યારે તેમાંથી સગીરાના કેટલાક વાંધાજનક ફોટા અને વીડિયો પણ મળી આવ્યા હતા. આ પુરાવા મળતા જ સ્થિતિ વધુ ગંભીર બની હતી અને રોષે ભરાયેલા લોકોએ યુવકને પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધ્યો
આ ઘટનાની ગંભીરતાને જોતા બ્રહ્મ સમાજના અગ્રણીઓ અને હિન્દુ સંગઠનોના કાર્યકરો મોટી સંખ્યામાં સેક્ટર 21 પોલીસ મથકે ઉમટી પડ્યા હતા. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે અલ્તાફ સિવિલ કેમ્પસમાં આવેલી એક એસેસરીઝની દુકાનમાં નોકરી કરે છે.

વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓએ આ ઘટનાને લવ જેહાદ ગણાવી આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. હાલમાં સેક્ટર 21 પોલીસે પોક્સો એક્ટ (POCSO Act) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપી અલ્તાફ લુહારની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. સંગઠનના આગેવાનોએ સરકારને વિનંતી કરી છે કે આવા તત્વો પાછળ કોઈ મોટું નેટવર્ક કામ કરી રહ્યું છે કે કેમ તેની પણ ઊંડી તપાસ થવી જોઈએ.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!