અમદાવાદની જાણીતી સી.એન. વિદ્યાવિહાર સંસ્થામાં વિદ્યાર્થિનીની છેડતી મામલે સિનિયર પ્રોફેસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિશાખા સમિતિ દ્વારા તપાસ શરૂ કરાઈ છે, જાણો શું છે પૂરો મામલો.

અમદાવાદ, શનિવાર
અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલી અને શિક્ષણ ક્ષેત્રે 100 વર્ષથી વધુ જૂનો ઈતિહાસ ધરાવતી સી.એન. વિદ્યાવિહાર સંસ્થામાં એક આઘાતજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કેમ્પસમાં આવેલી PTC (ડીએલએડ) કોલેજના એક સિનિયર અધ્યાપક પર વિદ્યાર્થિનીની છેડતી કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ ઘટનાને પગલે મેનેજમેન્ટે કડક વલણ અપનાવી અધ્યાપકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.
પરીક્ષાના હોલમાં બની શરમજનક ઘટના
આ સમગ્ર મામલો ગત 20 માર્ચના રોજ શરૂ થયો હતો. કોલેજમાં અત્યારે પ્રીલિમ પરીક્ષા ચાલી રહી છે. પીડિતાના જણાવ્યા અનુસાર, પરીક્ષા દરમિયાન જ સંબંધિત અધ્યાપકે તેની છેડતી કરી હતી અને તેનો હાથ પકડી ખરાબ વ્યવહાર કર્યો હતો. શરૂઆતમાં વિદ્યાર્થિની ભારે ડર અને સંકોચમાં હોવાથી તેણે આ વાત કોઈને જણાવી ન હતી. પીડિત વિદ્યાર્થિની અમદાવાદ જિલ્લાના જ એક ગામની વતની છે અને કોલેજની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે.
ઇન્સ્પેક્શન દરમિયાન વિદ્યાર્થિનીએ હિંમત દાખવી
આ ઘટનાના ચાર દિવસ બાદ, એટલે કે 24 માર્ચના રોજ જ્યારે ડાયેટના અધિકારીઓ કોલેજમાં રૂટિન ઇન્સ્પેક્શન માટે આવ્યા હતા, ત્યારે આ બાબત બહાર આવી હતી. ઇન્સ્પેક્શન દરમિયાન એક મહિલા પ્રોફેસરે જ્યારે વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો અને પૂછ્યું કે તેમને કોઈ તકલીફ છે કે નહીં, ત્યારે પીડિત વિદ્યાર્થિનીએ હિંમત ભેગી કરીને પોતાની સાથે થયેલા દુર્વ્યવહારની આપવીતી કહી સંભળાવી હતી.
સંસ્થાની તાત્કાલિક કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ સી.એન. વિદ્યાવિહાર મેનેજમેન્ટ હરકતમાં આવ્યું હતું. 27 માર્ચના રોજ વિદ્યાર્થિનીના વાલીઓને બોલાવવામાં આવ્યા હતા અને તેમની હાજરીમાં લેખિત ફરિયાદ લેવામાં આવી હતી. ફરિયાદની ગંભીરતા જોતા, સંસ્થાએ 20 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા આરોપી અધ્યાપકને તાકીદે સસ્પેન્ડ કરી દીધા છે.
સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર ડૉ. વૈશાલી શાહે આ અંગે જણાવ્યું કે, સી.એન. વિદ્યાવિહારનો ઇતિહાસ અત્યંત ઉજળો છે અને આવી ઘટના પ્રથમ વખત બની છે. અમે સુરક્ષા અને શિસ્ત બાબતે કોઈ પણ બાંધછોડ કરવા તૈયાર નથી, તેથી આરોપી વિરુદ્ધ તટસ્થ તપાસના આદેશ આપ્યા છે.
વિશાખા સમિતિ કરશે તપાસ
કાર્યસ્થળ પર મહિલાઓની સુરક્ષા માટેના કાયદા મુજબ, સંસ્થાએ આ કેસની તપાસ ‘વિશાખા સમિતિ’ને સોંપી છે. આ સમિતિ હવે પૂરા મામલાની ઝીણવટભરી તપાસ કરશે અને તેનો રિપોર્ટ મેનેજમેન્ટને સોંપશે. રિપોર્ટમાં દોષિત ઠર્યા બાદ અધ્યાપક વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, આ PTC કોલેજ ગ્રાન્ટેડ છે અને અહીં અગાઉ માત્ર છોકરાઓ જ ભણતા હતા. ત્રણ વર્ષ પહેલા જ અહીં કો-એજ્યુકેશન (છોકરા-છોકરીઓ સાથે) શરૂ કરવામાં આવ્યું છે. હાલમાં અહીં 110 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ત્યારે આ ઘટનાએ વાલીઓમાં પણ ચિંતા જગાવી છે.











