ગાંધીનગર મનપા ચૂંટણી 2026: ભાજપનું ‘સંકલ્પ પત્ર’ જાહેર, AI ટ્રાફિક સિગ્નલથી સ્માર્ટ રોડ સુધી મોટા વાયદા

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી 2026 માટે ભાજપે ‘આપણું ગાંધીનગર, આપણો સંકલ્પ’ સૂત્ર સાથે સંકલ્પ પત્ર જાહેર કર્યું છે. તેમાં AI ટ્રાફિક સિગ્નલ, સ્માર્ટ રોડ, ચ-રોડને આઇકોનિક રોડ, AI લેબ, નમો લાઇબ્રેરી અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિતના અનેક વિકાસલક્ષી વાયદા કરવામાં આવ્યા છે.

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી-2026ને લઈને ભારતીય જનતા પાર્ટીએ ગુરુવારે ‘આપણું ગાંધીનગર, આપણો સંકલ્પ’ સૂત્ર સાથે પોતાનું સંકલ્પ પત્ર જાહેર કર્યું છે. ભાજપે આગામી પાંચ વર્ષમાં ગાંધીનગરને વધુ સ્માર્ટ, આધુનિક, સ્વચ્છ, સુરક્ષિત અને આત્મનિર્ભર શહેર બનાવવાનું વિઝન રજૂ કર્યું છે. ગાંધીનગર મનપાની ચૂંટણી માટે 11 વોર્ડની 44 બેઠકો પર 11 ઓક્ટોબરે મતદાન થવાનું છે.

ચ-રોડને આઇકોનિક રોડ બનાવવાનો સંકલ્પ

ભાજપના સંકલ્પ પત્રમાં ગાંધીનગરના રોડ નેટવર્કને આધુનિક બનાવવાના વાયદા કરવામાં આવ્યા છે. ચ-રોડને આઇકોનિક રોડ તરીકે વિકસાવવામાં આવશે. આ ઉપરાંત રોડ નંબર-2 અને રોડ નંબર-3 તેમજ ઘ-7થી પેથાપુર સુધીના માર્ગને સ્માર્ટ રોડ તરીકે વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે.

સેક્ટરના એપ્રોચ રોડનું આધુનિકીકરણ કરીને તબક્કાવાર CC રોડમાં રૂપાંતર કરવાની યોજના પણ રજૂ કરવામાં આવી છે. શહેરના 25થી વધુ માર્ગોને ડસ્ટ ફ્રી બનાવવાનો પણ સંકલ્પ વ્યક્ત કરાયો છે.

AI આધારિત ટ્રાફિક સિગ્નલ

ગાંધીનગરના ટ્રાફિક મેનેજમેન્ટને વધુ આધુનિક બનાવવા માટે AI આધારિત ટ્રાફિક સિગ્નલ લગાવવાનું વચન આપવામાં આવ્યું છે. આ સાથે ખ-2થી વાવોલ ઓવરબ્રિજ અને ક-7થી રાંધેજા તરફના ઓવરબ્રિજના કામને આગળ વધારવાની વાત કરવામાં આવી છે.

દરેક સેક્ટરને મળશે અલગ ઓળખ

ભાજપે ગાંધીનગરના સેક્ટરોના બ્યુટીફિકેશન પર પણ ભાર મૂક્યો છે. Theme Based Urban Design દ્વારા દરેક સેક્ટરને આગવી ઓળખ આપવાની યોજના છે. સેક્ટરના પ્રવેશદ્વારોને આકર્ષક બનાવવાની સાથે સ્ટ્રીટ ફર્નિચર વિકસાવવામાં આવશે.

સેક્ટર-1 અને સેક્ટર-19માં સ્ટ્રીટ લાઇટ પોલ બદલવાની તથા ઊર્જા કાર્યક્ષમ લાઇટિંગ દ્વારા શહેરની સુરક્ષા અને સુંદરતા વધારવાની જાહેરાત કરવામાં આવી છે.

AI લેબ, સ્માર્ટ ક્લાસરૂમ અને ડિજિટલ શિક્ષણ

ગાંધીનગરને નોલેજ ઇકોનોમીનું કેન્દ્ર બનાવવાના હેતુથી મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં AI લેબ, સ્માર્ટ ક્લાસરૂમ, ડિજિટલ લર્નિંગ અને STEM આધારિત શિક્ષણને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરવામાં આવી છે.વિદ્યાર્થીઓ માટે આધુનિક અભ્યાસ સુવિધા ઊભી કરવા નમો લાઇબ્રેરી અને મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ગામોમાં પુસ્તકાલય વિકસાવવાનો પણ સંકલ્પ છે.

રમતગમતના વિકાસ પર પણ ભાર

ગાંધીનગરમાં આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વિકસાવવાની સાથે રાંધેજામાં ક્રિકેટ સ્ટેડિયમ અને પેથાપુરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની યોજના રજૂ કરવામાં આવી છે. શહેરમાં ઉદ્યોગ, વેપાર અને રોજગારીની તકો વધારવા માટે પણ માળખાકીય વિકાસને વેગ આપવાનો સંકલ્પ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ગાંધીનગર મનપા ચૂંટણી 11 ઓક્ટોબરે

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 11 વોર્ડની 44 બેઠકો માટે 11 ઓક્ટોબરે મતદાન થશે, જ્યારે 13 ઓક્ટોબરે મતગણતરી અને પરિણામ જાહેર થશે. કુલ 413 મતદાન મથકો પર ચૂંટણી યોજાવાની છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!