સાવધાન! ATM માં મદદ કરવાના બહાને કાર્ડ બદલી નાખતી ગેંગ અમદાવાદમાંથી ઝડપાઈ, જાણો તેમનો પૂરો ખેલ

અમદાવાદના જુહાપુરા, સરખેજ અને સેટેલાઇટમાં ATM માં મદદ કરવાના બહાને અસલી કાર્ડ બદલીને ડમી કાર્ડ પકડાવી 3 લાખથી વધુની છેતરપિંડી કરતી બે શખ્સોની ગેંગ ઝડપાઈ છે.

અમદાવાદ, બુધવાર
જો તમે ATM માંથી રૂપિયા ઉપાડવા કે જમા કરવા જતા હોવ અને કોઈ અજાણી વ્યક્તિ તમને મદદ કરવાની ઓફર કરે, તો ચેતી જજો. અમદાવાદમાં એક એવી ગેંગ સક્રિય હતી, જે લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને વાતોના વડા કરી તેમનું ઓરિજનલ ATM કાર્ડ બદલી નાખતી હતી. તાજેતરમાં જ ઈસનપુર પોલીસે આ ગેંગના બે શખ્સોને ઝડપી પાડ્યા છે. આ શખ્સોએ છેલ્લા દોઢ મહિનામાં વેજલપુર, આનંદનગર અને સરખેજ વિસ્તારમાં મહિલાઓ, સિનિયર સિટીઝન અને નોકરી કરતા 7 લોકો પાસેથી 3 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.

શું હતી છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી?
પકડાયેલા આ બંને શખ્સો બહુ જ ચાલાકીથી કામ કરતા હતા. બેમાંથી એક શખ્સ ATM ની બહાર ઉભો રહીને રેકી કરતો, જ્યારે બીજો શખ્સ અંદર જતો. અંદર જઈને તે ગ્રાહકને એવું કહેતો કે “મશીનમાં ખામી છે”, “તમારી સ્લીપ નથી નીકળી” અથવા “તમારું ટ્રાન્ઝેક્શન હજુ ચાલુ છે”. આવી વાતોમાં ભોળવીને તે મદદ કરવાનું બહાનું કાઢતો અને નજર ચૂકવીને ગ્રાહકનો ATM પીન (PIN) નંબર જોઈ લેતો. ત્યારબાદ હાથચાલાકી વાપરીને ઓરિજનલ કાર્ડ પોતાના ખિસ્સામાં મૂકી દેતો અને તેની જગ્યાએ કોઈ બીજા જ નામનું ‘ડમી કાર્ડ’ ગ્રાહકને પકડાવી દેતો.

કેવી રીતે 7 લોકો બન્યા ભોગ? જાણો વિગતવાર

પોલીસ ચોપડે વેજલપુરમાં 4, આનંદનગરમાં 2 અને સરખેજમાં 1 એમ કુલ 7 ફરિયાદો નોંધાઈ છે.

જુહાપુરાના 4 બનાવો (વેજલપુર પોલીસ સ્ટેશન)
20 મે: 57 વર્ષીય શાહનવાઝ અઝીઝ રોયલ અકબર ટાવર પાસેના HDFC બેન્કના ATM માં ગયા હતા. ગઠિયાએ ‘સ્લીપ નથી નીકળી’ કહી વાતોમાં ભોળવી તેમનું કાર્ડ બદલી નાખ્યું અને 40,000 રૂપિયા ઉપાડી લીધા. તેમને ગીતાબેન મકવાણા નામનું ડમી કાર્ડ પકડાવી દેવાયું હતું.

2 મે: 21 વર્ષીય ઇરશાદઅલી મન્સુરી ક્લાસીક હાઇટ્સ પાસેના બેંક ઓફ બરોડાના ATM માં ગયા હતા. મશીનમાં એરર આવતા અજાણ્યા શખ્સે કાર્ડ માંગીને મદદ કરવાનો ડોળ કર્યો. તેણે રાજકુમાર સિંઘ નામનું કાર્ડ આપી દઈ, ઓરિજનલ કાર્ડથી 50,000 રૂપિયા ઉપાડી લીધા.

16 એપ્રિલ: 29 વર્ષીય મહાવીર પરમાર રોયલ અકબર ટાવરના HDFC ATM માં બીજીવાર પૈસા ઉપાડવા ગયા, ત્યારે ગઠિયાએ ‘કરન્ટ ખાતામાંથી ઉપાડો’ તેવી સલાહ આપી પીન જાણી લીધો. આ કાર્ડનો ઉપયોગ કરી વિક્રમ જ્વેલર્સમાંથી 35,000 ની ખરીદી કરી અને 1,000 રોકડા ઉપાડી કુલ 36,000 નો ચૂનો લગાવ્યો.

20 એપ્રિલ: 45 વર્ષીય કાશ્મીરાબેન કુરેશી બેન્ક ઓફ બરોડાના ATM માં 30 હજાર જમા કરાવવા ગયા હતા. ટેકનિકલ ખામીનું બહાનું કાઢી ગઠિયાએ મીનાબહેન નામનું કાર્ડ પકડાવી દીધું અને તેમના સાસુના એકાઉન્ટમાંથી 31,000 રૂપિયા ઉપાડી લીધા.

સરખેજમાં નર્સ પાસેથી 1 લાખ સેરવી લીધા
16 મે: સોલા સિવિલમાં નર્સ તરીકે કામ કરતા 26 વર્ષીય હિમાનીબેન પરમાર મકરબા હેડ ક્વાર્ટર પાસેના SBI ATM માં પૈસા ઉપાડવા ગયા હતા. બહાર નીકળતા સમયે બે શખ્સોએ કહ્યું કે ‘ટ્રાન્ઝેક્શન ચાલુ છે, કેન્સલ કરવા ફરી કાર્ડ નાખો’. પીન જાણીને તેઓએ નયના શાહ નામનું ડમી કાર્ડ પકડાવી દીધું અને પિતાના ખાતામાંથી સીધા 1,01,000 રૂપિયા ઉપાડી લીધા. સરખેજમાં આ ફરિયાદ નોંધાઈ હતી.

સેટેલાઇટ વિસ્તારના 2 બનાવો (આનંદનગર પોલીસ સ્ટેશન)
11 માર્ચ: 54 વર્ષીય સિક્યુરિટી ગાર્ડ હેમચંદભાઈ પરમાર પ્રેરણાતીર્થ દેરાસર પાસેના SBI ATM માં ગયા હતા. 20 હજાર ન ઉપડતા બાજુમાં ઉભેલા શખ્સે 10 હજાર ઉપાડવા કહ્યું. ફરી કાર્ડ ભરાવતા સ્વીટી નામનું કાર્ડ પકડાવી દીધું અને બીજા સાગરીતે ‘મશીનમાં પૈસા નથી’ કહી તેમને બહાર કાઢ્યા. બાદમાં 39,500 રૂપિયા ઉપાડી લીધા.

13 મે: 47 વર્ષીય રીટાબેન તિવારી એ જ SBI ATM માં 50 હજાર જમા કરાવવા ગયા હતા. મશીનમાંથી 3 નોટો પરત આવતા ગઠિયાએ નોટ બદલી આપવાના બહાને પીન જોઈ લીધો. તેમને વિશાલ ચાવડા નામનું ડમી કાર્ડ પકડાવીને 40,000 રૂપિયા ઉપાડી લીધા.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!