આ ધમકીથી ગભરાયેલી યુવતીએ આખરે હિંમતનગર પોલીસ સ્ટેશનમાં રીધમ પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

હિંમતનગર, શુક્રવાર
હિંમતનગર કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતીએ પોતાના ધર્મના ભાઈ સામે ગંભીર આરોપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે. યુવક દ્વારા સંબંધો રાખવા માટે દબાણ અને ધમકીઓ આપવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાએ ફરી એકવાર યુવા સંબંધો અને તેમની મર્યાદાઓ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે.
શું છે સમગ્ર ઘટના?
પ્રાપ્ત માહિતી અનુસાર તલોદમાં રહેતી અને ધણપ ગામની સીમમાં આવેલી સરસ્વતી ફાર્માસ્યુટિકલ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતી છેલ્લા એક વર્ષથી હિંમતનગરના રીધમ શૈલેષભાઈ પટેલના પરિચયમાં હતી. રીધમ પણ તે જ કોલેજમાં તેની સાથે અભ્યાસ કરતો હતો. યુવતીએ રીધમને પોતાનો ધર્મનો ભાઈ માન્યો હતો અને તેને નિયમિતપણે રાખડી પણ બાંધતી હતી. આ સંબંધની જાણ બંનેના પરિવારજનોને પણ હતી.
જોકે છેલ્લા કેટલાક સમયથી રીધમ યુવતીને હેરાન કરતો હતો અને તેની સાથે સંબંધો રાખવા માટે દબાણ કરતો હતો. આ બાબતની જાણ યુવતીએ કોલેજ મેનેજમેન્ટને કરતા કોલેજ દ્વારા રીધમના માતા-પિતાને બોલાવીને આ મામલે સમજાવવામાં આવ્યા હતા અને રીધમ પાસે માફીપત્ર પણ લખાવવામાં આવ્યું હતું.
આત્મહત્યાની ધમકી અને પોલીસ ફરિયાદ
કોલેજ અને પરિવારજનોની સમજાવટ છતાં, રીધમ સુધર્યો નહીં. થોડા દિવસો પહેલા તેણે ફરીથી યુવતી પર સંબંધો રાખવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું અને તેને ધમકી આપી કે, “જો તું મારી સાથે સંબંધ નહીં રાખે, તો હું સ્યુસાઇડ નોટમાં તારું નામ લખીને મરી જઈશ.”











