યુગાન્ડાના આર્મી ચીફ મુહૂઝી કૈનેરુગાબાએ તૂર્કિયે પાસે $1 અબજ ડોલર અને સુંદર પત્નીની માગણી કરી છે. જાણો શું છે આ સમગ્ર વિવાદ અને તેમની અગાઉની વિચિત્ર હરકતો.

યુગાન્ડા, રવિવાર
યુગાન્ડાના સૈન્ય પ્રમુખ મુહૂઝી કૈનેરુગાબા ફરી એકવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેમણે કોઈ સામાન્ય માગણી નથી કરી, પરંતુ સીધું તૂર્કિયે (Turkey) દેશને નિશાન બનાવ્યું છે. મુહૂઝીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક એવી પોસ્ટ કરી જેનાથી રાજદ્વારી વર્તુળોમાં ભારે હોબાળો મચી ગયો છે. તેમણે તૂર્કિયે પાસે $1 અબજ ડોલર (આશરે 8,300 કરોડ રૂપિયા) અને તે દેશની સૌથી સુંદર યુવતીને પત્ની તરીકે સોંપવાની શરત મૂકી છે.
શું છે સમગ્ર મામલો?
યુગાન્ડાના વર્તમાન રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેનીના પુત્ર અને દેશના ચીફ ઓફ ડિફેન્સ ફોર્સ મુહૂઝી કૈનેરુગાબાએ ધમકીભર્યા સૂરમાં લખ્યું કે જો તેમની આ માગણીઓ પૂરી કરવામાં નહીં આવે, તો યુગાન્ડા તૂર્કિયે સાથેના તમામ રાજદ્વારી સંબંધો તોડી નાખશે. તેમણે આ રકમને સુરક્ષા ડિવિડન્ડ તરીકે ગણાવી છે.
મુહૂઝીનું તર્ક છે કે યુગાન્ડાના સૈનિકો છેલ્લા 20 વર્ષથી સોમાલિયામાં આતંકવાદ સામે લડી રહ્યા છે. આ સુરક્ષાને કારણે જ તૂર્કિયે સોમાલિયામાં પોતાના વ્યાપારી હિતો સાધી શક્યું છે અને આર્થિક ફાયદો મેળવ્યો છે. તેમના મતે, આ બલિદાનના બદલામાં તૂર્કિયેએ હવે મોટી રકમ ચૂકવવી જોઈએ. જો પૈસા નહીં મળે તો તેઓ તૂર્કિયેમાં પોતાનું દૂતાવાસ પણ બંધ કરી દેશે તેવી ચીમકી આપી છે.
સોશિયલ મીડિયા પર ઉડી મજાક
આ પોસ્ટ વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર લોકોએ મુહૂઝીની ભારે મજાક ઉડાવી છે. તૂર્કિયેના નારાજ યુઝર્સે આ નિવેદનને અપમાનજનક ગણાવ્યું છે, જ્યારે અન્ય લોકોએ તેને અપરિપક્વતા ગણાવી છે. ઘણા લોકોએ તો તેમને મગજ ખરીદવાની સલાહ પણ આપી દીધી. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે કોઈ જવાબદાર પદ પર બેઠેલી વ્યક્તિ જ્યારે આવા નિવેદનો કરે ત્યારે બે દેશો વચ્ચેના સંબંધો કાયમ માટે બગડી શકે છે.
અગાઉ ઈટાલીના વડાપ્રધાન પાસે કરી હતી માગણી
મુહૂઝી માટે આ પ્રકારનો વિવાદ નવો નથી. અગાઉ તેમણે ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વિશે પણ આવી જ અભદ્ર ટિપ્પણી કરી હતી. તે સમયે તેમણે મેલોની સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને તેના બદલામાં ઈટાલીને 100 ગાયો આપવાની ઓફર કરી હતી. એટલું જ નહીં, તેમણે એવી ધમકી પણ આપી હતી કે જો ઈટાલી આ પ્રસ્તાવ નહીં સ્વીકારે તો તેઓ રોમ પર હુમલો કરશે.
તણાવનું અસલી કારણ શું હોઈ શકે?
જોકે આ માગણીઓ હાસ્યાસ્પદ લાગે છે, પરંતુ તેની પાછળ ગંભીર રાજકીય કારણો હોઈ શકે છે. જાણકારોના મતે યુગાન્ડા અને તૂર્કિયે વચ્ચે હાલમાં રેલવે કોન્ટ્રાક્ટ અને સોમાલિયામાં પ્રભુત્વને લઈને અંદરખાને ખેંચતાણ ચાલી રહી છે. આ ઉપરાંત આતંકવાદી નેતા ફૈતુલ્લાહ ગુલેનને લઈને પણ બંને દેશો વચ્ચે મતભેદો છે.
હાલમાં તૂર્કિયે સરકાર તરફથી આ અજીબ માગણીઓ પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી, પરંતુ આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે યુગાન્ડાની છબીને ચોક્કસપણે નુકસાન પહોંચાડ્યું છે. એક જવાબદાર સૈન્ય વડા દ્વારા આવી ભાષાનો પ્રયોગ રાજદ્વારી શિષ્ટાચારની વિરુદ્ધ માનવામાં આવે છે.











