સોનામાં તોફાની તેજી: એક જ અઠવાડિયામાં 7,800નો ઉછાળો, જાણો હવે ભાવ વધશે કે ઘટશે?

વૈશ્વિક તણાવ વચ્ચે સોનાના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. એક સપ્તાહમાં સોનું 7,800થી વધુ મોંઘું થયું છે. જાણો નિષ્ણાતોનો મત અને MCX પર સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ.

Gold Silver Price Today: વૈશ્વિક રાજકીય અસ્થિરતા અને યુદ્ધના માહોલ વચ્ચે ભારતીય બજારમાં સોનાના ભાવમાં આ અઠવાડિયે જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં સોનાની કિંમતમાં 5.77 ટકાનો વધારો નોંધાયો છે, જે રોકાણકારો માટે મોટી વાત માનવામાં આવી રહી છે. શુક્રવારે MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર ગોલ્ડ એપ્રિલ વાયદો 0.15 ટકા વધીને આશરે 1,44,500 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

એક અઠવાડિયામાં 7,801ની તેજી
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના આંકડા મુજબ, સોમવારે 999 શુદ્ધતાના સોનાનો ભાવ 1,35,141 હતો, જે શુક્રવાર સુધીમાં વધીને 1,42,942 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો હતો. આમ, માત્ર પાંચ દિવસમાં સોનામાં 7,801નો તોતિંગ વધારો થયો છે. જોકે, સપ્તાહના અંતિમ દિવસે ડોલર મજબૂત થવાને કારણે સ્પોટ ગોલ્ડમાં થોડું દબાણ જોવા મળ્યું હતું.

શા માટે સોનાના ભાવ વધ્યા?
બજારના નિષ્ણાતો માને છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા તણાવ અને કેન્દ્રીય બેંકો દ્વારા થઈ રહેલી સોનાની સતત ખરીદી કિંમતોને ટેકો આપી રહી છે. અગાઉ જ્યારે સોનામાં ઘટાડો આવ્યો હતો ત્યારે રોકાણકારોએ નુકસાનની ભરપાઈ માટે વેચાણ કર્યું હતું, પરંતુ હવે ફરીથી તેજીનું વલણ જોવા મળી રહ્યું છે. બીજી તરફ, ક્રૂડ ઓઈલના ભાવ 120 ડોલરથી ઘટીને 93 ડોલર પ્રતિ બેરલ થતા ફુગાવાની ચિંતા થોડી હળવી થઈ છે, જેણે સોનાને નીચલા સ્તરેથી રિકવર થવામાં મદદ કરી છે.

આગળ શું થશે? નિષ્ણાતોનો અંદાજ
નિષ્ણાતોના મતે આગામી સમયમાં પણ બજારમાં ઉતાર-ચઢાવ યથાવત રહેશે. મધ્ય પૂર્વના દેશોની સ્થિતિ અને ક્રૂડ ઓઈલની ચાલ સોનાની દિશા નક્કી કરશે. અત્યારે MCX પર સોના માટે 1,36,000 થી 1,40,000નું સ્તર એક મજબૂત સપોર્ટ તરીકે કામ કરી રહ્યું છે. જો તેજી આગળ વધશે, તો સોનું 1,55,000 થી 1,60,000ની સપાટી સુધી પહોંચી શકે છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!