બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ સહાયનો લાભ મેળવવા માંગતા તમામ અરજદારો નવીન i-Khedut પોર્ટલ પર સમયસર અરજી કરી શકે છે.

ગાંધીનગર, શનિવાર
ગુજરાતના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. નાયબ બાગાયતી કચેરી, ગાંધીનગર દ્વારા આઈ-ખેડૂત પોર્ટલ વર્ષ 2025-26 માટે તા. 05/07/2025 થી તા. 19/07/2025 સુધી વિવિધ બાગાયતી યોજનાઓનો લાભ લેવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ વર્ષથી, નવીન i-Khedut પોર્ટલ પર નોંધણી કર્યા પછી જ અરજી કરી શકાશે.
અરજી પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજો
ખેડૂતોએ પોર્ટલ પર અરજી કરતી વખતે જણાવ્યા મુજબના તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે અને અરજી કન્ફર્મ કરવાની રહેશે. અરજીની પ્રિન્ટ લઈને પોતાની પાસે રાખવી ફરજિયાત છે. મંજૂરી મળ્યા બાદ ક્લેઈમ સબમિટ કરતી વખતે આ પ્રિન્ટ અને જરૂરી સાધનિક કાગળો સહી કરીને આપના જિલ્લાની બાગાયત કચેરી ખાતે જમા કરાવવાના રહેશે.
કઈ યોજનાઓનો લાભ મળશે?
i-Khedut પોર્ટલ પર નીચે મુજબની વિવિધ બાગાયતી યોજનાઓના ઘટકો માટે અરજીઓ કરી શકાશે:
પ્રોસેસિંગના સાધનો: કૃષિ ઉત્પાદનોના પ્રોસેસિંગ માટેના સાધનો પર સહાય.
કાચા/પાકા મંડપ: ખેતી માટે જરૂરી શેડ બનાવવા સહાય.
ડિપ ઈરિગેશન માટે પાણીના ટાંકા: ટપક સિંચાઈ માટે પાણી સંગ્રહ કરવા ટાંકા બનાવવા સહાય.
પોસ્ટ હારવેસ્ટ મેનેજમેન્ટના સાધનો: વજન કાંટા અને પ્લાસ્ટિક ક્રેડ્સ જેવી સામગ્રી પર સહાય.
ફળપાકોમાં પ્લાન્ટિંગ મટીરીયલ: 90% સુધીની સહાય.
બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતર: ખાતરો માટે સહાય.
પપૈયાં ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ.
આંબા તથા લીંબુના જૂના બગીચાઓને નવસર્જન: જૂના બગીચાઓને ફરીથી જીવંત કરવા માટેની યોજના.
શાકભાજી પાકોના ક્રોપ કવર: પાક સંરક્ષણ માટે ક્રોપ કવર પર સહાય.
આંબા, દાડમ, જામફળ, સીતાફળ, કમલમ ફ્રુટ કવર: ફળોના રક્ષણ માટે કવર પર સહાય (અનુસૂચિત જાતિના ખેડૂતો માટે).
આંબા જામફળ ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ : સામાન્ય ખેડૂતો માટે.
દેવી પૂજકને બિયારણના ઇનપુટમાં સહાય: બક્ષીપંચ ખેડૂતો માટે.
ટીસ્યુકલ્ચર છોડ દ્વારા ખારેકની ખેતીમાં સહાય
નાળિયેરી વાવેતર વિસ્તાર સહાય
શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન.
કોમ્પ્રીહેન્સિવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ.
આ તમામ ઘટકોમાં તમામ ખેડૂતો અરજી કરી શકશે.











