આ ભાગીદારી ડિજિટલ દુનિયાના બદલાતા ટ્રેન્ડ્સ સાથે ગ્રાહકોને આત્મવિશ્વાસ અને સરળતાથી આગળ વધવામાં મદદ કરશે.

નવી દિલ્હી, ગુરૂવાર
ભારતીય ટેલિકોમ ક્ષેત્રની અગ્રણી કંપની Airtelએ પોતાના 36 કરોડથી વધુ ગ્રાહકો માટે એક મોટી જાહેરાત કરી છે. કંપનીએ AI ટૂલ બનાવતી સ્ટાર્ટ-અપ Perplexity AI સાથે ભાગીદારી કરી છે, જેનાથી Airtel ના યુઝર્સને Perplexity Pro નું વાર્ષિક સબસ્ક્રિપ્શન બિલકુલ મફતમાં મળશે, જેની કિંમત આશરે 17,000 છે. આ સેવા Airtel ના તમામ મોબાઈલ, WiFi (ફાઈબર અને AirFiber) અને DTH યુઝર્સને ઉપલબ્ધ થશે.
શું છે Perplexity AI?
Perplexity AI એ ChatGPT અને Google Gemini જેવું જ એક જનરેટિવ AI ટૂલ છે. જોકે, તે હાલના Google Search કરતાં વધુ એડવાન્સ માનવામાં આવે છે. આ ટૂલ તમારા કોઈપણ પ્રશ્નનો સચોટ અને ઊંડાણપૂર્વક સંશોધન કરેલો જવાબ આપે છે. તે માત્ર લિંક્સ બતાવવાને બદલે ઉપલબ્ધ તથ્યો અને ચોક્કસ માહિતીનો સારાંશ પણ પ્રોવાઇડ કરે છે, જે માનવીય સમજણ ધરાવે છે.
Perplexity AIનું ફ્રી વર્ઝન બેઝિક સર્ચ સુવિધાઓ પૂરી પાડે છે, જ્યારે તેનું Pro મોડેલ અત્યાધુનિક ભાષા મોડલ પર આધારિત છે. Pro સબસ્ક્રિપ્શનમાં GPT 4.1, ડીપ રિસર્ચ, ઈમેજ જનરેશન, એનાલિસિસ અને Perplexity Labs જેવા ઇનોવેટિવ ટૂલ્સનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે, આ Pro સર્વિસનું વાર્ષિક સબસ્ક્રિપ્શન લગભગ 17,000 માં ઉપલબ્ધ હોય છે.
Airtel યુઝર્સને કેવી રીતે મળશે આ ફ્રી સર્વિસ?
Airtel ના તમામ ગ્રાહકો આ પ્રીમિયમ AI સર્વિસનો લાભ લઈ શકશે. આ માટે કોઈ અલગથી રિચાર્જ કરાવવાની જરૂર રહેશે નહીં. યુઝર્સે ફક્ત પોતાના રજિસ્ટર્ડ Airtel નંબર નો ઉપયોગ કરીને Perplexity AI ની એપ અથવા વેબસાઇટ પર પોતાના વાર્ષિક ફ્રી સબસ્ક્રિપ્શનને એક્ટિવેટ કરવાનું રહેશે.
Airtel અને Perplexity ના અધિકારીઓનું શું કહેવું છે?
ભારતી Airtel ના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, ગોપાલ વિટ્ટલ એ આ ભાગીદારીને “ગેમ-ચેન્જર” ગણાવી હતી. તેમણે જણાવ્યું કે આ સહયોગ કરોડો યુઝર્સને એક શક્તિશાળી અને રીયલ-ટાઇમ નોલેજ ટૂલ મફતમાં ઉપલબ્ધ કરાવશે, જે ભારતમાં આ પ્રકારની પ્રથમ જનરેટિવ AI ભાગીદારી છે.
Perplexity ના સહ-સ્થાપક અને CEO, અરવિંદ શ્રીનિવાસ એ જણાવ્યું કે આ ભાગીદારી ભારતભરના વિદ્યાર્થીઓ, વર્કિંગ પ્રોફેશનલ્સ અને ગૃહિણીઓ સહિત વધુ લોકોને સચોટ, ભરોસાપાત્ર અને પ્રોફેશનલ-ગ્રેડ AI ઉપલબ્ધ કરાવવાનું એક ઉત્તમ માધ્યમ છે. Perplexity Pro સાથે, યુઝર્સને માહિતી શોધવા, શીખવા અને તેમનું કાર્ય કરવા માટે એક વધુ સ્માર્ટ અને સરળ રીત મળશે.











