NPCIના આ નવા નિયમો UPI યૂઝર્સ માટે રિફંડ પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવશે, સાથે જ પેમેન્ટની ગતિમાં પણ વધારો કરશે. આ પગલાંથી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં ગ્રાહકોનો વિશ્વાસ વધશે અને UPIનો ઉપયોગ વધુ સરળ બનશે.

અમદાવાદ, બુધવાર
UPI દ્વારા ઓનલાઈન પેમેન્ટ કરતા કરોડો યૂઝર્સ માટે આનંદના સમાચાર છે. હવે જો તમારું ટ્રાન્ઝેક્શન ફેલ થશે તો તમને તરત જ રિફંડ મળી જશે, એટલે કે તમારા ખાતામાં પૈસા પાછા આવી જશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) 15 જુલાઈ, 2025થી નવો નિયમ લાગુ કરવા જઈ રહ્યું છે. આ નિયમ હેઠળ, જો તમારા ખાતામાંથી પૈસા કપાઈ ગયા હોય પરંતુ પેમેન્ટ સફળ ન થયું હોય, તો તમને તુરંત રિફંડ મળશે. આ ઉપરાંત, જો ભૂલથી ખોટા UPI ID પર પૈસા મોકલાઈ જાય તો યૂઝર્સ પોતાના બેંક પાસેથી પૈસા પાછા મેળવી શકશે.
નવા નિયમોની વિશેષતાઓ
નવા નિયમો અનુસાર, બેંકોને NPCIની પૂર્વ મંજૂરી વિના જાતે કેટલાક રિજેક્ટેડ ચાર્જબેક કેસો ઉઠાવવાની છૂટ આપવામાં આવી છે. આનાથી રિફંડ પ્રક્રિયા ઝડપી અને સરળ બનશે. આ ઉપરાંત, જે યૂઝર્સના જૂના રિફંડ દાવા રિજેક્ટ થઈ ગયા હતા, તેમના કેસની પણ બેંકો ફરીથી તપાસ કરી શકશે અને તેનો નિકાલ કરી શકશે. આ નવી UPI ચાર્જબેક સિસ્ટમ ગ્રાહકોને મોટી રાહત આપશે.
હાલની સમસ્યાઓ શું છે?
વર્તમાન સિસ્ટમમાં, જો કોઈ ખાતા અથવા UPI ID સાથે જોડાયેલા ચાર્જબેક રિક્વેસ્ટને વારંવાર રિજેક્ટ કરવામાં આવે, તો NPCIની સિસ્ટમ આપમેળે “નેગેટિવ ચાર્જબેક રેટ્સ” (કારણ કોડ CD1/CD2)નો હવાલો આપીને આગળના પ્રયાસોને બ્લોક કરી દે છે. આવા કેસમાં, બેંકોએ મેન્યુઅલી NPCIને વિનંતી કરીને વિવાદને “વ્હાઈટલિસ્ટ”માં મૂકવાની જરૂર પડે છે, જે સમય માંગી લે તેવી પ્રક્રિયા છે. ચાર્જબેક એટલે એવી પ્રક્રિયા જેમાં UPI ટ્રાન્ઝેક્શન ફેલ થાય કે ફ્રોડ થાય તો બેંક દ્વારા ગ્રાહકના પૈસા પાછા મેળવવામાં આવે.
UPI પેમેન્ટ હવે વધુ ઝડપી
NPCIએ UPI પેમેન્ટની પ્રક્રિયામાં પણ મહત્વનો ફેરફાર કર્યો છે. અગાઉ UPI ટ્રાન્ઝેક્શન 30 સેકન્ડમાં પૂર્ણ થતું હતું, પરંતુ હવે તે માત્ર 10-15 સેકન્ડમાં થઈ જશે. આ નવો નિયમ 16 જૂન, 2025થી લાગુ થઈ ગયો છે. ગયા મહિને NPCIએ બેંકો અને પેમેન્ટ એપ્સને તેમની સિસ્ટમ અપગ્રેડ કરવા જણાવ્યું હતું, જેથી પેમેન્ટ 15 સેકન્ડમાં થઈ શકે. 26 એપ્રિલ, 2025ના રોજ NPCIએ જણાવ્યું હતું કે તેઓ UPI ટ્રાન્ઝેક્શનના રિસ્પોન્સ ટાઈમને ઘટાડીને પરફોર્મન્સ સુધારવા પર કામ કરી રહ્યા છે.











