ગોપાલ ઈટાલીયાએ કહ્યું આ મારી નહીં તમારી જીત છે. વિસાવદરની જનતાએ AAP પર ભરોસો મુક્યો તે બદલ આભાર, ઇશ્વર મને કામ કરવાની શક્તિ આપે

વિસાવદર, સોમવાર : જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં AAP નાં ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત થઈ છે. વિસાવદરમાં ગોપાલ ઈટાલિયા 17,581 મતથી જીત્યા છે. તેમને કુલ 75,906 મત મળ્યા છે. જ્યારે, BJP ના ઉમેદવાર કિરીટ પટેલને 58,325 મત મળ્યા છે. કોંગ્રેસના ઉમેદવારને વિસાવદરમાં 5,491 મત જ મળ્યા છે. ચૂંટણી વિજય બાદ ગોપાલ ઇટાલિયાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે અધિકારીઓને ચેતવણી આપી છે! વડાલી ખાતે યોજાયેલ સભામાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, અધિકારીઓ સુધરી જજો… જેમણે પણ કિરીટ પટેલની ગુલામી કરી છે તે પ્રજાની માફી માગે.
ગોપાલ ઇટાલિયાએ વધુમાં કહ્યું કે, જેમણે પણ મત આપ્યો છે અને નથી આપ્યો તમામને વંદન. જનતાને સંબોધિત કરતા કહ્યું કે, તમારી સામે સૌથી મોટો પડકાર હતો. પરંતુ, તમારા વિશ્વાસે મને જીત અપાવી છે. આ મારી નહીં તમારી જીત છે. વિસાવદરની જનતાએ AAP પર ભરોસો મુક્યો તે બદલ આભાર. ઇશ્વર મને કામ કરવાની શક્તિ આપે. સભા પહેલા ગોપાલ ઇટાલિયાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, AAP ના તમામ નેતા, કાર્યકરોએ ખૂબ જ મહેનત કરી છે. એક તરફ સત્તાનું અભિમાન હતું, બીજી તરફ દુઃખી પ્રજાનાં આશીર્વાદ હતા. મારી યુવનાનો અપીલ છે કે આગળ આવો અને આત્મા જગાડો. આજથી ગુજરાતમાં ક્રાંતિનાં બીજ રોપાઈ ગયા છે.










