સાળંગપુરમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી: હનુમાનજી દાદાના દર્શને ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર!

સવારે 05:30 કલાકે મંગળા આરતી અને 07:00 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. દાદાને 51 કિલો સુખડીનો વિશેષ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

સાળંગપુર, ગુરૂવાર
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં આજે ગુરુપૂર્ણિમા અને વ્યાસપૂર્ણિમાના પવિત્ર પર્વની દિવ્ય અને ભવ્ય ઉજવણી કરવામાં આવી. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં હજારો ભક્તો ઉમટી પડ્યા હતા અને દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

દિવ્ય શણગાર અને વિશેષ આરતી
આજના ખાસ દિવસે શ્રીકષ્ટભંજનદેવને દિવ્ય વાઘા પહેરાવવામાં આવ્યા હતા. વૃંદાવનના 7 કારીગરોએ 15 દિવસની મહેનતથી પ્યોર સિલ્કના જરદોશી વર્કવાળા આ વાઘા તૈયાર કર્યા હતા, જેમાં ફૂલ અને ડાળીની સુંદર ડિઝાઇન હતી. દાદાના સિંહાસનને ગુલાબ, ગલગોટા અને સેવંતી જેવા 250 કિલોથી વધુ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. આ શણગાર તૈયાર કરવામાં 6 સંતો, પાર્ષદો અને ભક્તોને 4 કલાકનો સમય લાગ્યો હતો.

ગુરુ વંદના અને યજ્ઞનું આયોજન
ગુરુપૂર્ણિમાના પવિત્ર દિને સવારે 06:30 થી 07:00 કલાક દરમિયાન સદ્‌ગુરુશ્રી ગોપાળાનંદ સ્વામીનું ભાવપૂજન-અર્ચન અને આરતી નારાયણમુની સ્વામી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી-અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત, મંદિરમાં યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું પણ આયોજન થયું હતું, જ્યાં સૌએ ગુરુપૂર્ણિમા પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

સાંજે ષોડશોપચાર પૂજન અને સંધ્યા આરતી
સાંજે 04:30 કલાકે શ્રી કષ્ટભંજનદેવનું દિવ્ય ષોડશોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. આ પૂજનમાં ફૂલોના શણગારની સાથે ફળ, પુષ્પ, ડ્રાયફ્રુટ વગેરે ધરવવામાં આવ્યા હતા અને પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી. સાંજે 07:00 કલાકે કષ્ટભંજનદેવની સંધ્યા આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી-અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી. હજારો ભક્તોએ ઓનલાઈન અને પ્રત્યક્ષ રીતે આ અનેરા દર્શનનો લાભ લીધો હતો.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!