વિશાખાપટ્ટનમમાં રાષ્ટ્રીય કાર્યક્રમને સંબોધિત કરતા PM મોદીએ દેશ અને વિશ્વના તમામ લોકોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવી.

વિશાખાપટ્ટનમ, શનિવાર
આજે, 21 જૂન, 2025ના રોજ, ભારત સહિત સમગ્ર વિશ્વમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અત્યંત ઉત્સાહપૂર્વક મનાવવામાં આવ્યો. આ વર્ષે યોગ દિવસની થીમ “એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ” હતી, જે વૈશ્વિક સુખાકારી માટે યોગના મહત્વ પર ભાર મૂકે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ભવ્ય ઉજવણીનું નેતૃત્વ વિશાખાપટ્ટનમથી કર્યું, જ્યાં તેમની સાથે આશરે ત્રણ લાખ લોકોએ યોગ અભ્યાસ કર્યો. યોગ એ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ તે સ્વ-જાગૃતિ, માનસિક સ્પષ્ટતા, ભાવનાત્મક સંતુલન અને આધ્યાત્મિક વિકાસની એક સફર છે. વિશ્વભરમાં લોકોએ આ દિવસે યોગ કરીને તેના મહત્વને સ્વીકાર્યું.
PM મોદીએ વિશાખાપટ્ટનમમાં યોગ કર્યા
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની હાજરીમાં, વિશાખાપટ્ટનમના દરિયાકિનારે આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મેગા ઇવેન્ટનું નેતૃત્વ કર્યું અને તેમની સાથે હજારો લોકોએ યોગના વિવિધ આસનો કર્યા.
યોગ વિશે PM મોદીનો સંદેશ
વિશાખાપટ્ટનમમાં રાષ્ટ્રીય કાર્યક્રમને સંબોધિત કરતા PM મોદીએ દેશ અને વિશ્વના તમામ લોકોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવી. તેમણે જણાવ્યું કે આજે 11મી વખત 21 જૂને સમગ્ર વિશ્વ એકસાથે યોગ કરી રહ્યું છે. PM મોદીએ ભારપૂર્વક કહ્યું, “યોગનો અર્થ ફક્ત જોડવું છે. યોગે આખી દુનિયાને કેવી રીતે જોડી છે તે જોવું ખરેખર આનંદદાયક છે.”
વડાપ્રધાને વધુમાં ઉમેર્યું કે યોગના પ્રસાર માટે ભારત આધુનિક સંશોધન દ્વારા યોગના વિજ્ઞાનને મજબૂત બનાવી રહ્યું છે. તેમણે દિલ્હી AIIMS દ્વારા કરવામાં આવેલા એક સંશોધનનો ઉલ્લેખ કર્યો, જેમાં જાણવા મળ્યું છે કે યોગ મહિલાઓના સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જેમાં હૃદય અને ન્યુરોલોજીકલ વિકૃતિઓ પણ સામેલ છે. આ સંશોધન યોગના હેલ્થ બેનિફિટ્સને વધુ પુષ્ટિ આપે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આ ઉજવણી ભારતના સમૃદ્ધ વારસા અને વિશ્વભરમાં સ્વાસ્થ્ય અને સુખાકારી માટે યોગના વધતા જતા પ્રભાવને દર્શાવે છે.











