ગુજરાત સરકારે UPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટી જાહેરાત કરી છે. SPIPAના વિદ્યાર્થીઓને હવે દર મહિને 4000 સ્ટાઈપેન્ડ અને કુલ 2.05 લાખ સુધીની સહાય મળશે. જાણો સંપૂર્ણ વિગત.

ગાંધીનગર, બુધવાર
જો તમે પણ UPSC પાસ કરીને IAS કે IPS બનવાનું સપનું જોઈ રહ્યા છો, તો ગુજરાત સરકાર તમારા માટે એક સારા સમાચાર લાવી છે. દેશની સૌથી અઘરી ગણાતી સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને આર્થિક મદદ કરવા માટે રાજ્ય સરકારે સહાયની રકમમાં મોટો વધારો કર્યો છે.
ગાંધીનગરમાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક નવો અને સત્તાવાર ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. આ ઠરાવ મુજબ અમદાવાદ સ્થિત સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (SPIPA – સ્પિપા) અને તેના અન્ય પ્રાદેશિક તાલીમ કેન્દ્રોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હવે પરીક્ષાના દરેક તબક્કે આર્થિક પ્રોત્સાહન આપવામાં આવશે.
દર મહિને મળશે 4000નું સ્ટાઇપેન્ડ
નવા નિયમો મુજબ, જે વિદ્યાર્થીઓ SPIPA માં પ્રિલિમ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, તેમને સરકાર દર મહિને 4000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ ચૂકવશે. આ રકમ વધુમાં વધુ 7 મહિના સુધી અથવા તો UPSC પ્રિલિમ પરીક્ષા લેવાય ત્યાં સુધી ઉમેદવારને આપવામાં આવશે. જેનાથી તેઓ પોતાના રોજિંદા ખર્ચાઓ આરામથી કાઢી શકશે.
પરીક્ષા પાસ કરવા પર કેટલી સહાય મળશે?
સરકારે પરીક્ષાના અલગ અલગ રાઉન્ડ મુજબ સહાયની રકમ નક્કી કરી છે:
પ્રિલિમ પરીક્ષા (Prelims): આ પરીક્ષા પાસ કરનાર યુવકોને 35,000 રૂપિયા અને યુવતીઓને 50,000 રૂપિયાની સહાય મળશે. (ખાસ નોંધ: ઉમેદવારને અગાઉ જે માસિક સ્ટાઇપેન્ડ મળ્યું હશે, તે રકમ આમાંથી બાદ કરીને બાકીના પૈસા ચૂકવાશે).
મુખ્ય પરીક્ષા (Mains): જો ઉમેદવાર મેઇન્સ પરીક્ષા પાસ કરે છે, તો યુવકોને 45,000 અને યુવતીઓને 55,000 રૂપિયાની પ્રોત્સાહક રકમ આપવામાં આવશે.
આખરી પસંદગી (Final Selection): જો ઉમેદવારનું નામ ફાઇનલ લિસ્ટમાં આવી જાય છે, તો યુવકને 75,000 અને યુવતીને 1 લાખ રૂપિયાની માતબર રકમ સહાય પેટે મળશે.
કુલ કેટલી રકમનો ફાયદો થશે?
આ આખી પ્રક્રિયા પર નજર કરીએ તો, જો કોઈ યુવક ફાઇનલ સિલેક્શન સુધી પહોંચે છે તો તેને કુલ 1.55 લાખ રૂપિયાની આર્થિક મદદ મળશે. જ્યારે યુવતીઓને પ્રોત્સાહન આપવા માટે આ રકમ વધુ રખાઈ છે, જેથી સફળ થનાર યુવતીને કુલ 2.05 લાખ રૂપિયા સુધીની સહાય પ્રાપ્ત થશે.
ગુજરાત બહારના (બિન-ડોમિસાઇલ) ઉમેદવારો માટે પણ ખાસ જોગવાઈ
રાજ્ય સરકારે એવા ઉમેદવારોનું પણ ધ્યાન રાખ્યું છે જેઓ મૂળ ગુજરાતના નથી, પરંતુ ગુજરાતમાં અભ્યાસ કરે છે કે નોકરી કરે છે. જો આવા બિન-ડોમિસાઇલ ઉમેદવારો SPIPA ના ‘પર્સનાલિટી ટેસ્ટ’ (ઇન્ટરવ્યુ) ક્લાસમાં જોડાય અને આખરી પસંદગી પામે, તો તેવા યુવકોને 25,000 રૂપિયા અને યુવતીઓને 35,000 રૂપિયાની સહાય આપવામાં આવશે.
નાણા વિભાગની લીલી ઝંડી મળ્યા બાદ સામાન્ય વહીવટ વિભાગે આ સુધારેલા દરોનો અમલ શરૂ કરી દીધો છે. સરકારના આ ઐતિહાસિક નિર્ણયથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને મોટું આર્થિક બળ મળશે. પૈસાની ચિંતા દૂર થવાથી તેઓ પોતાનું પૂરું ધ્યાન અભ્યાસ પર કેન્દ્રિત કરી શકશે, અને આશા છે કે આવનારા સમયમાં ગુજરાતમાંથી વધુને વધુ યુવાનો દેશની સિવિલ સર્વિસમાં પોતાનો ડંકો વગાડશે.











