ગુજરાત હાઈકોર્ટનો કડક નિર્દેશ, રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરનારાઓના વાહન થશે જપ્ત!

રોંગ સાઈડ ડ્રાઇવિંગ ઉપરાંત, હાઈકોર્ટે ગેરકાયદે પાર્કિંગની ગંભીર સમસ્યા પર પણ સરકારને આડે હાથ લીધી હતી. કોર્ટે નોંધ્યું કે ચીફ જસ્ટિસના બંગલાવાળા જજીસ બંગલો રોડથી લઈને પકવાન ચાર રસ્તા સુધીની ગેરકાયદે પાર્કિંગની સમસ્યા ફરી પાછી જેવી હતી તેવી જ થઈ ગઈ છે.

અમદાવાદ, શુક્રવાર
ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ સહિત રાજ્યભરમાં ટ્રાફિક વ્યવસ્થા, ગેરકાયદે પાર્કિંગ અને રસ્તા પરના દબાણને લઈને કડક વલણ અપનાવ્યું છે. ખાસ કરીને રોંગ સાઈડ ડ્રાઇવિંગ અને ગેરકાયદે પાર્કિંગ જેવી ગંભીર સમસ્યાઓ પર હાઈકોર્ટે રાજ્ય સરકાર અને ટ્રાફિક પોલીસને આકરા નિર્દેશો આપ્યા છે.

હાઈકોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે રોંગ સાઈડ ડ્રાઇવિંગને કારણે અકસ્માતો અને નિર્દોષ લોકોના મૃત્યુમાં નોંધપાત્ર વધારો થયો છે. આ દૂષણને ડામવા માટે આવા વાહનચાલકોના વાહનો જપ્ત કરવા અને તેમને કાયદાનું ભાન કરાવવું અત્યંત જરૂરી છે. ન્યાયમૂર્તિ એ.એસ. સુપહીયા અને ન્યાયમૂર્તિ આર.ટી. વાચ્છાણીની ખંડપીઠે સરકારને ટકોર કરતા કહ્યું કે, “અમને નાગરિકોની સલામતીમાં રસ છે, બીજી કોઈ વાતમાં નહીં. યોગ્ય આયોજન કરી, અસરકારક કામગીરી કરીને અમને પરિણામ આપો.”

કોર્ટે ટ્રાફિકની ગંભીરતા સમજાવતા પોતાના અંગત અનુભવ પણ શેર કર્યા હતા. જસ્ટિસ એ.એસ. સુપહીયાએ જણાવ્યું કે, “શહેરના કેટલાક રસ્તાઓ પર તો એટલી હદે રોંગ સાઈડમાં વાહનો આવતા હોય છે કે, અમે સાચા રોડ પર હોવા છતાં અમને એવું લાગે છે કે અમે રોંગ સાઈડમાં તો નથી ને.” હાઈકોર્ટે એસ.યુ.વી. જેવા મોટા વાહનો દ્વારા સાયન્સ સિટી જેવા રોડ પર થતી રોંગ સાઈડ ડ્રાઇવિંગની ખતરનાક સ્થિતિ પર પણ ચિંતા વ્યક્ત કરી હતી.

ગેરકાયદે પાર્કિંગ પર પણ લાલ આંખ
રોંગ સાઈડ ડ્રાઇવિંગ ઉપરાંત, હાઈકોર્ટે ગેરકાયદે પાર્કિંગની ગંભીર સમસ્યા પર પણ સરકારને આડે હાથ લીધી હતી. કોર્ટે નોંધ્યું કે ચીફ જસ્ટિસના બંગલાવાળા જજીસ બંગલો રોડથી લઈને પકવાન ચાર રસ્તા સુધીની ગેરકાયદે પાર્કિંગની સમસ્યા ફરી પાછી જેવી હતી તેવી જ થઈ ગઈ છે. અગાઉ સરકારે આ મુદ્દે કાર્યવાહીની ખાતરી આપી હોવા છતાં, એક વર્ષ પછી પણ સ્થિતિ “જૈસે થે” જોવા મળી રહી છે.

હાઈકોર્ટે અમદાવાદમાં લક્ઝરી બસો અને ભારે વાહનો પર નિયત સમય દરમિયાનના પ્રતિબંધ અંગેના તેના અગાઉના ચુકાદાઓના કડક અમલ માટે પણ તાકીદ કરી હતી. પીક અવર્સ દરમિયાન આવા મોટા વાહનોને કારણે થતા ટ્રાફિક જામને રોકવા માટે જાહેરનામાઓ અને કાયદાકીય જોગવાઈઓનો સખતપણે અમલ કરાવવા જણાવાયું છે. હાઈકોર્ટે હવે આ કેસની સુનાવણી દર બુધવારે કરવાનું નક્કી કર્યું છે અને રાજ્ય સરકાર તેમજ ટ્રાફિક પોલીસ પાસેથી સાપ્તાહિક અહેવાલ પણ માંગ્યો છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!