ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે આરોપીનો વિદેશ પ્રવાસનો અધિકાર નક્કી કરવાની સત્તા પાસપોર્ટ ઑફિસ પાસે નથી, પરંતુ ટ્રાયલ કોર્ટ પાસે છે. આ નિર્ણય જુનેદ મોદનના પાસપોર્ટ રિન્યુઅલ કેસમાં આવ્યો છે.

અમદાવાદ, બુધવાર
ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં એક પાસપોર્ટ રિન્યુઅલ કેસની સુનાવણી દરમિયાન એક મોટું અને સ્પષ્ટ ઑબ્ઝર્વેશન આપ્યું છે. કોર્ટે જણાવ્યું છે કે કોઈપણ આરોપીને વિદેશ પ્રવાસ કરવાનો અધિકાર છે કે કેમ, તે નક્કી કરવાની સત્તા પાસપોર્ટ ઑફિસ પાસે નથી. આ નિર્ણય સંપૂર્ણપણે ટ્રાયલ કોર્ટના અધિકારક્ષેત્રમાં આવે છે.
કોર્ટે જુનેદ મોદન નામના આરોપીનો પાસપોર્ટ 10 વર્ષ માટે રિન્યુ કરવાનો આદેશ આપ્યો છે. જસ્ટિસ નિરલ મહેતાએ તેમના આદેશમાં સ્પષ્ટતા કરતા કહ્યું છે કે જો અરજદાર (આરોપી) વિદેશ પ્રવાસે જવા ઈચ્છતા હોય, તો તેમણે તેની પરમિશન માટે ટ્રાયલ કોર્ટમાં એપ્લિકેશન કરવી પડશે.
કોર્ટે પાસપોર્ટ ઑફિસને આદેશ આપ્યો છે કે જો પાસપોર્ટ રિન્યુ કરવા માટે કોઈ અરજી દાખલ થઈ હોય, તો તેનો નિકાલ 4 સપ્તાહમાં લાવવો.
બોમ્બે હાઈકોર્ટ અને જૂના ઠરાવનો ઉલ્લેખ
ગુજરાત હાઈકોર્ટે આ ચુકાદામાં આવા જ એક કેસમાં બોમ્બે હાઈકોર્ટે આપેલા આદેશનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં બોમ્બે હાઈકોર્ટે પણ પાસપોર્ટ ઑફિસને આરોપીનો પાસપોર્ટ 10 વર્ષ માટે રિન્યુ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ સાથે જ કોર્ટે 25મી ઓગસ્ટ 1993ના રોજ જાહેર થયેલા GSR ઠરાવની પણ નોંધ લીધી હતી, જે મુજબ ફોજદારી કેસનો સામનો કરનાર આરોપીઓને વિદેશ પ્રવાસ માટે કોર્ટના આદેશની જરૂર પડે છે.
આ શું હતો કેસ?
આખો મામલો વર્ષ 2022નો છે. માતર પોલીસે બાતમીના આધારે ખોડિયાર ચોકડી પાસે એક ટેન્કર અટકાવ્યું હતું. આ ટેન્કરમાંથી ₹14,34,000ની કિંમતનું 24,000 લિટર શંકાસ્પદ બાયો-ડીઝલ મળ્યું હતું. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા અબ્બાસ થેબા, ફઝલ મોદાન, તોસીબ પઠાણ અને શહેઝાદલમ અંસારી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. તપાસમાં સામે આવ્યું હતું કે આ ટેન્કર માતર GIDCમાં આવેલી એમ આર લુબ ઈન્ડસ્ટ્રીઝમાંથી ભરાયું હતું, જેમાં જુનેદ મોદનનું નામ પાર્ટનર તરીકે સામે આવ્યું હતું.
જુનેદ મોદનને 1લી ઓગસ્ટ 2022ના રોજ આ કેસમાં જામીન મળ્યા હતા. તેના પાસપોર્ટની એક્સપાયરી ડેટ 18મી ફેબ્રુઆરી 2026 છે. અરજદારના વકીલે કોર્ટને જણાવ્યું કે જુનેદ મોદને અગાઉ પણ વિદેશ પ્રવાસ માટે ઘણીવાર કોર્ટમાં અરજીઓ કરી હતી.











