ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી: ભાજપ લાવ્યું નો રિપીટ ફોર્મ્યુલા, 3 ટર્મવાળા અને 60 પારના નેતાઓનું પત્તું કપાશે!

Gujarat local body election: આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ નો રિપીટ થિયરી લાગુ કરશે. 60 વર્ષથી વધુ ઉંમર અને 3 ટર્મથી ચૂંટણી લડતા નેતાઓની ટિકિટ કપાશે. જાણો ટિકિટ માટેના નવા નિયમો.

ગાંધીનગર, રવિવાર
Gujarat local body election: આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તમામ રાજકીય પક્ષો અત્યારથી જ કામે લાગી ગયા છે. આ બધા વચ્ચે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે એક કડક માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી રહી હોવાની ચર્ચા છે. જો આ નવા નિયમો લાગુ થશે, તો ભાજપના અનેક દિગ્ગજ અને જૂના નેતાઓને ઘરે બેસવાનો વારો આવી શકે છે.

ટિકિટ માટે શું છે ભાજપના નવા નિયમો?
પક્ષના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભાજપ આ વખતે નો રિપીટ થિયરી પર ભાર મૂકી રહ્યું છે. એન્ટી-ઈન્કમ્બન્સી ઘટાડવા અને યુવા ચહેરાઓને તક આપવા માટે નીચે મુજબના નિયમો નક્કી કરવામાં આવ્યા છે:

ઉંમરનો બાધ: જે નેતાઓની ઉંમર 60 વર્ષથી વધુ છે, તેમને આ વખતે ટિકિટ આપવામાં આવશે નહીં.
3 ટર્મનો નિયમ: જે આગેવાનો સતત 3 ટર્મથી ચૂંટણી લડતા આવ્યા છે અથવા જીતતા આવ્યા છે, તેમને હવે રાજકીય આરામ આપવામાં આવશે.
9 વર્ષની સક્રિયતા: ટિકિટ મેળવવા માટે પક્ષ પ્રત્યેની વફાદારી અને અનુભવ સૌથી મહત્વના રહેશે. જે કાર્યકર ઓછામાં ઓછા 9 વર્ષથી પક્ષના સક્રિય સભ્ય હશે, તેમને જ ચૂંટણી મેદાનમાં ઉતારવા માટે પ્રાથમિકતા અપાશે.
હોદ્દેદારોને ટિકિટ નહીં: સંગઠનમાં પ્રમુખ કે મહામંત્રી જેવા મહત્વના પદો પર બેઠેલા નેતાઓને કોર્પોરેશનની ચૂંટણી લડવા માટે ટિકિટ મળશે નહીં. જોકે, અન્ય હોદ્દેદારોના કિસ્સામાં પક્ષ વિચારણા કરી શકે છે.

જગદીશ વિશ્વકર્મા માટે પહેલી મોટી કસોટી
નોંધનીય છે કે, ગુજરાત ભાજપમાં સી.આર. પાટીલની વિદાય બાદ પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માની નિમણૂક કરવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી વિશ્વકર્મા માટે આ પહેલી મોટી ચૂંટણી છે. ત્રણ દાયકાથી ગુજરાતમાં સત્તા ભોગવતા ભાજપે સંગઠનમાં ફેરફારો કરીને જૂના જોગીઓને પણ તક આપી છે, ત્યારે આ ચૂંટણીઓ નવા પ્રદેશ અધ્યક્ષના કદ અને નેતૃત્વની સાબિતી આપશે.

ભાજપનો મુખ્ય હેતુ સત્તા વિરોધી લહેરને ખાળવાનો અને પક્ષના નવા યુવા ચહેરાઓ તેમજ સંનિષ્ઠ કાર્યકરોને આગળ લાવવાનો છે. આ નવા નિયમોને કારણે સ્થાનિક લેવલે 60 વર્ષથી મોટા અનેક કાઉન્સિલરો અને નેતાઓના પત્તા કપાવાનું લગભગ નક્કી મનાઈ રહ્યું છે. હવે જોવાનું એ રહે છે કે આ નો રિપીટ રણનીતિ પક્ષને ચૂંટણીમાં કેટલી સફળતા અપાવે છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!