ગુજરાત પોલીસની ક્રાઈમ કોન્ફરન્સ: કાયદો-વ્યવસ્થા અને સુરક્ષા પર વિસ્તૃત ચર્ચા!

સાયબર ફ્રોડની ઘટનાઓ અટકાવવા માટે સાયબર અવેરનેસના કાર્યક્રમો કરવામાં આવ્યા અને 1930 હેલ્પલાઇનનો ઉપયોગ વધે તે માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા. સાયબર ફ્રોડ માટે પોતાનું બેંક એકાઉન્ટ આપનારા લોકો સામે પણ હવે કડક કાર્યવાહી થશે અને આવા આરોપીઓ સામે કાર્યવાહી કરવા માટે સમન્વય પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે.

અમદાવાદ, મંગળવાર
રાજ્યના DGPના એક્સટેન્શન બાદ પ્રથમવાર અમદાવાદમાં માસિક ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં રાજ્યના તમામ DG, IG, અને CP કક્ષાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. ખાસ કરીને જૂન મહિનામાં પ્લેન ક્રેશ, ગ્રામ પંચાયત ચૂંટણી અને રથયાત્રા જેવા કારણોસર ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ ન હોવાથી, આ જુલાઈ મહિનાની બેઠકમાં મે મહિનાની કામગીરીની પણ વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, ક્રાઈમ રેટ ઘટાડવા અને ટેક્નોલોજીના વધુ ઉપયોગ અંગે મહત્ત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી.

મે મહિનાની કામગીરી અને સિદ્ધિઓ
મે મહિનામાં ગુજરાત પોલીસે અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ પર લગામ કસી છે, જેના આંકડા નીચે મુજબ છે:

વ્યાજખોરો સામે કાર્યવાહી: 43 વ્યાજખોરો સામે FIR દાખલ કરવામાં આવી અને 44 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. મે મહિનામાં 35 લોન મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

પેરોલ જમ્પર્સ અને ફરાર આરોપીઓ: પેરોલ જમ્પ કરનારા 26 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા. આ ઉપરાંત, 1 વર્ષથી વધુ સમયથી ફરાર 276 આરોપીઓને પણ પકડવામાં આવ્યા. DGP દ્વારા 100 કલાકમાં આરોપીઓના લિસ્ટ તૈયાર કરવા અંગે પણ નિવેદન આપવામાં આવ્યું હતું.

અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી: 15 માર્ચથી લઈને અઢી મહિનાના સમયગાળામાં 586 અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યા હતા. 1857 અસામાજિક તત્વોના ગેરકાયદેસર વીજ કનેક્શન પણ કાપવામાં આવ્યા. 434 આરોપીઓના જામીન કેન્સલ કરવા માટે અલગ અલગ કોર્ટમાં રજૂઆત કરાઈ અને 204 આરોપીઓના બેંક એકાઉન્ટની સ્ક્રુટિની કરવામાં આવી. 1025 અસામાજિક તત્વોને તડીપાર કરવામાં આવ્યા અને 800થી વધુ આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી. NDPSના 17 આરોપીઓ સામે પણ સખત કાર્યવાહી કરવામાં આવી છે.

કોમ્યુનિટી આઉટરીચ અને ટેક્નોલોજીનો ઉપયોગ
પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધો સુધારવા માટે કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ 623 પ્રોગ્રામ યોજાયા, જેમાં 14 કરોડથી વધુનો મુદ્દામાલ ફરિયાદીઓને પરત કરવામાં આવ્યો. સ્થાનિક પ્રશ્નો અંગે પોલીસ માહિતગાર થાય તે માટે “3 વાત તમારી, 3 વાત અમારી” જેવા 1770 કાર્યક્રમો યોજાયા.

સાયબર ક્રાઈમ અને હેલ્પલાઇન
સાયબર ફ્રોડની ઘટનાઓ અટકાવવા માટે સાયબર અવેરનેસના કાર્યક્રમો કરવામાં આવ્યા અને 1930 હેલ્પલાઇનનો ઉપયોગ વધે તે માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા. સાયબર ફ્રોડ માટે પોતાનું બેંક એકાઉન્ટ આપનારા લોકો સામે પણ હવે કડક કાર્યવાહી થશે અને આવા આરોપીઓ સામે કાર્યવાહી કરવા માટે સમન્વય પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. મે મહિનામાં સાયબર ફ્રોડમાં ગુમાવેલા 17 કરોડ ફરિયાદીઓને પરત કરવામાં આવ્યા હતા.

કોસ્ટલ સિક્યુરિટી અને મહિલા સુરક્ષા
કોસ્ટલ સિક્યુરિટી વધારવા માટે મરીન ટાસ્ક ફોર્સ સહિતની એજન્સીઓને પેટ્રોલિંગ વધારવા અંગે ચર્ચા થઈ. સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી. કોસ્ટલ સિક્યુરિટી, નાર્કોટિક્સ અને મહિલા સુરક્ષાને અગ્રતા આપવામાં આવી. મહિલા સુરક્ષા માટે SHE ટીમની કાર્યવાહી વધુ સુઘડ બનાવવા માટે પણ ચર્ચા કરવામાં આવી.

ટ્રાફિક અને આગામી પહેલ
ટ્રાફિકના વિષયો તેમજ અકસ્માતથી થતા મૃત્યુના કેસો ઘટાડવા માટે પણ ચર્ચા થઈ. આગામી દિવસોમાં પ્રજાની સુરક્ષા માટે 112 હેલ્પલાઇન શરૂ કરવામાં આવશે, જેના માટે અધિકારીઓને પ્રેઝન્ટેશન પણ બતાવવામાં આવ્યું હતું. આ હેલ્પલાઇન શરૂ થવાથી લોકોને વધુ ઝડપી પોલીસ મદદ મળી રહેશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!