ગુજરાતમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં મેઘમહેર: જાણો અંબાલાલ પટેલ અને IMDની આગાહી

ગુજરાતમાં ક્યાંક ઓરેન્જ તો ક્યાંક યલો એલર્ટ વચ્ચે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન વરસાદની નવી સિસ્ટમો સક્રિય થવાની આગાહી.

આજે 10 ઓગસ્ટે અમદાવાદ અને ગાંધીનગરમાં ધીમી ધારે ઝરમર વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે અરવલ્લી અને મહીસાગરમાં અતિભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આ સિવાય બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ અને વાવ-થરાદ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે. આવતીકાલે 11 ઓગસ્ટે પણ રાજ્યના 5 જિલ્લામાં યલો એલર્ટ રહેશે.

ઓગસ્ટના પ્રારંભે વરસાદ કેમ ધીમો પડ્યો?
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, પેસિફિક મહાસાગરના એક વાવાઝોડાને કારણે અરબ સાગર અને બંગાળની ખાડીનો ભેજ ખેંચાઈ જતાં ઓગસ્ટના શરૂઆતના દિવસોમાં વરસાદનું પ્રમાણ ઘટ્યું હતું. હવે આ વાવાઝોડું દક્ષિણ ચીન તરફ ફંટાઈ રહ્યું હોવાથી 13 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં ફરીથી સારો વરસાદ જોવા મળશે.

13 ઓગસ્ટ સુધી ક્યાં-ક્યાં પડશે વરસાદ?
અંબાલાલ પટેલની અટકળ મુજબ 13 ઓગસ્ટ સુધી ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, અમદાવાદ અને ગાંધીનગરમાં મેઘમહેર જોવા મળી શકે છે. આ ઉપરાંત પાટણ, સમી અને હારીજ જેવા વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ ઝાપટાં પડી શકે છે.

ઓગસ્ટના ઉત્તરાધે અને સપ્ટેમ્બરમાં વરસાદી સિસ્ટમ
14 ઓગસ્ટ બાદ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે, જેની અસરથી 17થી 19 ઓગસ્ટ દરમિયાન વાતાવરણમાં પલટો આવશે. ત્યારબાદ 22-23 ઓગસ્ટ અને 31 ઓગસ્ટે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની બેસતી વખતે પણ વરસાદની આશંકા છે. અંબાલાલ પટેલના મતે, સપ્ટેમ્બર મહિનાના પ્રારંભે (2 અને 7 સપ્ટેમ્બરે) હવામાન બદલાશે અને સમગ્ર સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના અલગ-અલગ ભાગોમાં ભારે વરસાદ પડાવાની સંભાવના છે.

હવામાન વિભાગ (IMD)ની આગાહી અને સક્રિય સિસ્ટમ
IMDના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ અનુસાર, આગામી ત્રણ દિવસ દરમિયાન 30થી 40 કિમી/કલાકની ઝડપે પવન અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હાલમાં ઉત્તર મધ્યપ્રદેશ પર લો પ્રેશર, શિયર ઝોન, બિકાનેરથી પસાર થતી મોન્સૂન ટ્રફ અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ – એમ ચાર સિસ્ટમ એકસાથે સક્રિય હોવાથી રાજ્યમાં વરસાદી વાતાવરણ બન્યું છે.

ચોમાસાની વર્તમાન સ્થિતિ અને આંકડા
રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય રીતે 450.5 mm વરસાદ થતો હોય છે, જેની સરખામણીએ ચાલુ વર્ષે 491.2 mm વરસાદ નોંધાયો છે. આમ, સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 9 ટકા વધુ વરસાદ થયો છે, જોકે સૌરાષ્ટ્ર વિસ્તારમાં સામાન્ય કરતાં 13 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!