
નાયબ મામલતદાર, મહેસૂલી તલાટી અને મહેસૂલી ક્લાર્ક સંવર્ગના વિવિધ પડતર પ્રશ્નો અંગે ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા ચલાવવામાં આવી રહેલા આંદોલનનો આખરે સુખદ ઉકેલ આવી ગયો છે. રાજ્ય સરકાર સાથે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ મહામંડળ દ્વારા હડતાળ સત્તાવાર રીતે પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી છે.
ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક
ગાંધીનગર ખાતે પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી અને મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડાની વિશેષ અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી. બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિ, અન્ય વરિષ્ઠ અધિકારીઓ તેમજ ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના પ્રમુખ જામસંગભાઈ પરમાર સહિતનું પ્રતિનિધિમંડળ ઉપસ્થિત રહ્યું હતું. તમામ મુદ્દાઓ પર સાનુકૂળ અને સકારાત્મક વાતાવરણમાં ચર્ચા થઈ હતી.
સરકાર અને મહામંડળનું વલણ
પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ સ્પષ્ટ કર્યું હતું કે રાજ્યની સામાન્ય જનતાને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકાર હંમેશાં તત્પર છે. સરકારે કર્મચારીઓના પ્રશ્નો પ્રત્યે ઉદાર અને સહાનુભૂતિપૂર્વકનો અભિગમ અપનાવીને તમામ વ્યાજબી માંગણીઓના ઝડપી નિરાકરણની ખાતરી આપી છે.
મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડાએ જણાવ્યું હતું કે પ્રજાના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને સરકારે કાયમી ઉકેલની દિશામાં સકારાત્મક વાટાઘાટો કરી છે. સામાન્ય નાગરિકોને તકલીફ ન પડે તે માટે મહામંડળે પણ ઉદાર અભિગમ અપનાવી આંદોલન સમેટી લેવાનો પ્રશંસનીય નિર્ણય કર્યો છે.
આંદોલન પાછું ખેંચવાની જાહેરાત
સરકાર તરફથી મળેલી સકારાત્મક બાંહેધરી બાદ મહામંડળના પ્રમુખ જામસંગભાઈ પરમારે આંદોલન સત્તાવાર રીતે મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “સરકાર સાથેની બેઠકમાં અમારી માંગણીઓ પ્રત્યે સંવેદનશીલતા દાખવવામાં આવી છે. આથી અમે અમારું આંદોલન પાછું ખેંચીએ છીએ અને માનનીય મુખ્યમંત્રીશ્રી, મંત્રીશ્રીઓ તથા મહેસૂલ વિભાગનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.”










