ગુજરાતના રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ સ્વિટ્ઝર્લેન્ડમાં એસોસિયેશન ઓફ નેશનલ ઓલિમ્પિક કમિટી (ANOC) સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી. આ બેઠકમાં ભારતીય ઓલિમ્પિક એસોસિયેશનના પ્રેસિડન્ટ પી. ટી. ઉષા પણ હાજર રહ્યા

ગાંધીનગર, મંગળવાર
ગુજરાતના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક બાબતોના મંત્રી શ્રી હર્ષ સંઘવી હાલ વિદેશ પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેમણે સ્વિટ્ઝર્લેન્ડમાં એસોસિયેશન ઓફ નેશનલ ઓલિમ્પિક કમિટી (ANOC) સાથે એક મહત્વપૂર્ણ બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠકમાં ભારતીય ઓલિમ્પિક એસોસિયેશનના (IOA) પ્રેસિડન્ટ પી. ટી. ઉષા પણ ઉપસ્થિત રહ્યા હતા, જે આ ચર્ચાઓનું મહત્વ દર્શાવે છે.

મળતી માહિતી મુજબ, આ બેઠકમાં ઓલિમ્પિકના આગામી આયોજનો બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ભારત અને ખાસ કરીને ગુજરાતમાં રમતગમતના વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણા અને ભાવિ આયોજનો અંગેના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ ડેલિગેશનમાં મંત્રી હર્ષ સંઘવી સાથે ગુજરાતના એમ. થેન્નારેસન અને અશ્વિનિ કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉચ્ચસ્તરીય બેઠક ભારતમાં, અને ખાસ કરીને ગુજરાતમાં, રમતગમત ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે સહયોગ વધારવા માટેનો એક મહત્વપૂર્ણ પ્રયાસ માનવામાં આવી રહી છે.











