ખાખીમાં ધબકતું હૃદય: જામીન મળ્યા પણ કોઈ લેવા ન આવ્યું, ગુજરાત પોલીસ વાલી બની મહિલાને નવજાત શિશુ સાથે છેક MP મૂકી આવી

નડિયાદ જેલમાંથી જામીન મુક્ત થયેલી મહિલાને લેવા કોઈ ન આવતા, ગુજરાત પોલીસે વાલી બનીને નવજાત શિશુ સાથે તેને છેક મધ્યપ્રદેશ તેના ઘરે પહોંચાડી. જાણો આખી ઘટના.

નડિયાદ, શનિવાર
સામાન્ય રીતે પોલીસની ખાખી વર્દી જોઈને લોકોના મનમાં ડર ઊભો થતો હોય છે. પરંતુ વહીવટીતંત્ર અને પોલીસ જ્યારે માનવીય સંવેદના બતાવે છે, ત્યારે ભલભલાની આંખોમાં હરખના આંસુ આવી જાય છે. આવી જ એક હૃદયસ્પર્શી ઘટના નડિયાદ જિલ્લા જેલમાં બની છે. જેલમાં રહેલી એક ગરીબ મજૂર મહિલાએ બાળકને જન્મ આપ્યો અને તેને જામીન પણ મળી ગયા. પણ તેને લેવા કોઈ આવ્યું નહીં, ત્યારે ગુજરાત પોલીસે એક પરિવારની ભૂમિકા ભજવીને તેને છેક મધ્યપ્રદેશ તેના વતન પહોંચાડી.

શું હતો આખો મામલો? શા માટે મહિલા જેલમાં હતી?
મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાનો એક ગરીબ પરિવાર મજૂરી કરવા માટે આણંદ જિલ્લામાં આવ્યો હતો. આ દરમિયાન મહિલાના દિયરે એક સગીર વયની છોકરીને ભગાડી જવાનો ગુનો કર્યો.

આ કેસમાં ખંભાત ખાતે પોક્સો (POCSO) એક્ટ, 2012 હેઠળ ગુનો નોંધાયો.આ કેસમાં મહિલાના પતિ અને દિયરની ધરપકડ થઈ, સાથે જ આ મહિલાને પણ સહ-આરોપી બનાવવામાં આવી.જ્યારે આ મહિલા નડિયાદ જિલ્લા જેલમાં આવી ત્યારે તેની સાથે તેનું 2 વર્ષનું બાળક હતું અને તે પોતે ગર્ભવતી હતી.

જેલવાસ દરમિયાન આપ્યો બાળકને જન્મ
જેલમાં સમય પસાર થઈ રહ્યો હતો તેવામાં 21 મેના રોજ આ મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી. જેલ પ્રશાસને તાત્કાલિક તેને નડિયાદ સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી. અમદાવાદમાં તેણે એક સ્વસ્થ પુત્રને જન્મ આપ્યો. થોડા દિવસની સારવાર બાદ આ કાચા કામની કેદી મહિલા પોતાના 4 દિવસના નવજાત શિશુ અને 2 વર્ષના મોટા બાળક સાથે પાછી નડિયાદ જેલમાં આવી.

જામીન મળ્યા પણ મુશ્કેલી ઓછી ન થઈ
થોડા સમય બાદ સ્થાનિક અદાલતમાંથી આ મહિલાને જામીન મળી ગયા. પરંતુ, તેનો પતિ અને દિયર પહેલેથી જ જેલમાં હતા અને પરિવાર ખૂબ જ ગરીબ હતો. આ સ્થિતિમાં તેને જેલમાંથી મુક્ત કરાવવા અને ઘરે લઈ જવા માટે પરિવારમાંથી કોઈ જ આવ્યું નહીં. બે નાના બાળકો સાથે આ ગરીબ મહિલા ક્યાં જાય?

ગુજરાત પોલીસ અને કાનૂની સત્તા મંડળ આવ્યા વ્હારે
આ સમયે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ (આણંદ) અને નડિયાદ જેલના અધિકારીઓએ ખૂબ જ સરાહનીય કામગીરી કરી. આણંદ કાનૂની સેવા મંડળે મહિલાને કાયદાકીય મદદ પૂરી પાડી.

બીજી તરફ, ગુજરાત પોલીસ વડા (DGP) ડો. કે.એલ.એન. રાવના સીધા માર્ગદર્શન હેઠળ નડિયાદ જિલ્લા જેલ પોલીસે એક સ્થાનિક સેવાભાવી સંસ્થાનો સંપર્ક કર્યો. સંસ્થાની મદદથી મહિલા માટે એક ખાસ વાહનની વ્યવસ્થા કરવામાં આવી.

વાલી બનીને છેક મધ્યપ્રદેશ પહોંચાડી
પોલીસે માત્ર વાહન જ ન આપ્યું, પરંતુ મહિલા અને બાળકોની સુરક્ષા માટે બે કોન્સ્ટેબલને પણ સાથે મોકલ્યા. આ ટીમ છેક મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લામાં પહોંચી અને સ્થાનિક પોલીસની મદદથી મહિલાનું તેના પરિવાર સાથે મિલન કરાવ્યું. પોતાના બે નાના બાળકો સાથે હેમખેમ ઘરે પહોંચતા આ મહિલા ભાવુક થઈ ગઈ હતી. તેણે ગુજરાત પોલીસ અને વહીવટીતંત્રનો આભાર માન્યો હતો.

ગુજરાત પોલીસની આ કામગીરી સાબિત કરે છે કે કાયદાના પાલન સાથે પોલીસના હૃદયમાં માનવતા પણ એટલી જ જીવંત છે. આ ઘટના સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ બની છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!