વરસાદનાં પગલે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સુચના આપવામાં આવી છે. લોકોને પણ સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે

ગાંધીનગર, શનિવાર : હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી સાત દિવસ રાજ્ય માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જો કે શરૂઆતમાં વરસાદનું જોર ઓછું રહેશે. ત્યાર બાદ તબક્કાવાર વરસાદનું જોર વધશે. વરસાદનાં પગલે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સુચના આપવામાં આવી છે. લોકોને પણ સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે.
આજે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 126 તાલુકાનાં વરસાદ નોંધાયો હતો. આગામી ત્રણ કલાક ગુજરાતાં આ ત્રણ જિલ્લાઓ માટે ખુબ જ ભારે હોવાનું પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. જેમાં બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
22 જુનથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે અરવલ્લી જિલ્લામાં આજે જ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. માત્ર 2 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. આ ઉપરાંત સાબરકાંઠા અને બનાસકાંઠામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.











