ગાંધીનગર પોલીસે એક હાઇ-પ્રોફાઇલ ઓપરેશન પાર પાડીને આસામથી લવ જેહાદના આરોપીને ઝડપી પાડ્યો છે. યુવક નામ બદલીને હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી ગયો હતો. જાણો કેવી રીતે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આ યુવતીને સુરક્ષિત રીતે પરત લાવી.

ગાંધીનગર, શુક્રવાર
ગુજરાતમાં ‘લવ જેહાદ’ જેવી પ્રવૃત્તિઓ ચલાવી નહીં લેવાય. આ વાત ફરી એકવાર સાબિત થઈ છે. ગાંધીનગર પોલીસે એક સનસનીખેજ અને સફળ ઓપરેશન પાર પાડીને આસામથી એક વિધર્મી યુવકને ઝડપી પાડ્યો છે. આ યુવકે એક હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી હતી. આ યુવતીને સુરક્ષિત રીતે પરત લાવીને તેના પરિવારને સોંપવામાં આવી છે. આ સફળતા બદલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર જિલ્લા પોલીસની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.
આ ઘટના તાજેતરમાં ગાંધીનગર નજીકના એક ગામમાં બની હતી. 20 વર્ષીય યુવતી ગુમ થતા તેના પરિવારે પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધાવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે યુવતીના ઘર પાસે ભાડે રહેતો આસામનો એક યુવક તેને લલચાવી-ફોસલાવીને ભગાડી ગયો છે. આ યુવકનું નામ સોઈફ અબ્દુલ મનાફ ઉદીન છે અને તે ગાંધીનગરની એક હોટલમાં સુપરવાઈઝર તરીકે કામ કરતો હતો.
યુવતીના પરિવારે આ ઘટનામાં ‘લવ જેહાદ’ની શંકા વ્યક્ત કરી અને પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટીનો સંપર્ક કર્યો. ત્યાર બાદ, પોલીસની ટીમોએ આ કેસની તપાસ શરૂ કરી. યુવક યુવતીને લઈને આસામ પહોંચી ગયો હતો અને ત્યાં તેણે પોતાના મોબાઇલને ફ્લાઇટ મોડ પર રાખીને માત્ર વાઇફાઇથી વોટ્સએપ કોલિંગનો ઉપયોગ શરૂ કરી દીધો હતો. આના કારણે તેનું લોકેશન ટ્રેસ કરવું ખૂબ મુશ્કેલ હતું.
પરંતુ ગાંધીનગર જિલ્લાની એલસીબી અને સેક્ટર 7 પોલીસની ટીમોએ હાર ન માની. તેઓ એક અઠવાડિયા સુધી આસામના અલગ-અલગ જિલ્લાઓમાં આરોપીને શોધતા રહ્યા. આખરે, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે તેને આસામના હોજાઈ જિલ્લામાં એક ગામમાંથી શોધી કાઢ્યો.
પોલીસે આરોપી સોઈફ અબ્દુલ મનાફ ઉદીનને દબોચી લીધો અને યુવતીને સુરક્ષિત રીતે મુક્ત કરાવી. ત્યારબાદ યુવતીને ગાંધીનગર પરત લાવીને તેના પરિવારને સોંપી દેવામાં આવી. આ ઓપરેશને ગુજરાત પોલીસની કાર્યક્ષમતા અને સંવેદનશીલતા ફરી એકવાર સાબિત કરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે ગુજરાતમાં નામ બદલીને ભોળી યુવતીઓને ફસાવવાની આવી પ્રવૃત્તિઓ બિલકુલ સહન કરવામાં નહીં આવે અને આવા ગુનાઓમાં સંડોવાયેલા દરેક આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી થશે. આ કેસનો સફળ ઉકેલ ગુજરાત પોલીસ માટે એક મોટી સિદ્ધિ છે.











