Iran school attack: ઈરાનના હોર્મોઝગાનમાં અમેરિકા-ઈઝરાયલના કથિત હુમલામાં ગર્લ્સ સ્કૂલની 160 વિદ્યાર્થિનીઓના કરુણ મોત થયા છે. આ માસૂમોને દફનાવવા JCB થી કબરો ખોદવી પડી.

ઇરાન, બુધવાર
ઈઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ હવે એક અત્યંત કરુણ વળાંક પર પહોંચી ગયો છે. દક્ષિણ ઈરાનના હોર્મોઝગાન પ્રાંતમાંથી એક એવી ઘટના સામે આવી છે જે સાંભળીને કોઈનું પણ હૃદય કંપી ઉઠે. અહીંની એક ગર્લ્સ સ્કૂલ પર થયેલી એર સ્ટ્રાઈકમાં 160 જેટલી માસૂમ વિદ્યાર્થિનીઓએ જીવ ગુમાવ્યા છે.
ઈરાની મીડિયાએ આ ઘટનાને લગતી કેટલીક સેટેલાઈટ તસવીરો જાહેર કરી છે. આ તસવીરોમાં જોવા મળે છે કે આટલી મોટી સંખ્યામાં મૃતદેહોને દફનાવવા માટે સ્થાનિક તંત્રને ભારે મશીનો અને JCB નો ઉપયોગ કરવો પડ્યો હતો. શરૂઆતમાં કાટમાળ નીચે દબાઈ જવાથી 30 જેટલા મોતની આશંકા હતી. પણ જેમ જેમ કાટમાળ હટાવવામાં આવ્યો તેમ તેમ આ આંકડો વધીને 160 ને પાર પહોંચી ગયો. આકાશમાંથી લેવાયેલી આ તસવીરોમાં લાઈનસર ખોદાયેલી કબરો ખરેખર હચમચાવી મૂકે તેવી છે.
આ ભયાનક ઘટના બાદ ઈરાની નેતાઓએ આકરા પ્રહારો કર્યા છે. ઓસ્ટ્રિયામાં આવેલા ઈરાની દૂતાવાસે કડક શબ્દોમાં રોષ ઠાલવતા કહ્યું કે જે બાળકીઓ રાત્રે વાર્તા સાંભળીને સૂવા માંગતી હતી તે હવે કબરની શાંતિમાં પોઢી ગઈ છે. તેમણે મૌન સેવનારા લોકોને પણ આડે હાથ લીધા અને સ્પષ્ટ કહ્યું કે તમારું કશું ન કરવું તે પણ એક હથિયાર સમાન છે. ઈતિહાસ ચોક્કસ યાદ રાખશે કે તમે કોનો સાથ આપ્યો હતો.
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સોશિયલ મીડિયા પર આ 160 કબરોની તસવીર મૂકીને અમેરિકા પર સીધો નિશાન સાધ્યો છે. તેમણે લખ્યું કે અમેરિકા અને ઈઝરાયલના બોમ્બમારામાં આ નિર્દોષ બાળકીઓના શરીરના ટુકડા થઈ ગયા. તેમણે ડોનાલ્ડ ટ્રમ્પના બચાવ કરવાના વચન પર કટાક્ષ કરતા કહ્યું કે હકીકતમાં તેમનો બચાવ આવો દેખાય છે, જ્યાં ગાઝાથી લઈને મિનાબ સુધી નિર્દોષોની ક્રૂરતાથી હત્યા થઈ રહી છે.
ઈરાનની સરકારી મીડિયાના આંકડા મુજબ અમેરિકા અને ઈઝરાયલે 131 થી વધુ શહેરોમાં હુમલા કર્યા છે. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં 787 લોકોના જીવ ગયા છે. ઈરાન આ સમગ્ર ઘટનાને ઝાયોનિસ્ટ-અમેરિકન આતંકવાદી હુમલો ગણાવી રહ્યું છે.
બીજી તરફ અમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટમાં એક અલગ જ વાત સામે આવી છે. આ રિપોર્ટ મુજબ જે શાળા પર હુમલો થયો તેની તદ્દન નજીક ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)નો એક નેવલ બેઝ આવેલો છે. કદાચ હુમલાખોરોનો મુખ્ય ટાર્ગેટ તે નેવલ બેઝ હતો. જોકે અમેરિકા કે ઈઝરાયલમાંથી કોઈએ પણ સીધી રીતે આ શાળા પર હુમલો કર્યાની વાત હજુ સુધી સ્વીકારી નથી.
યુદ્ધની આ પરિસ્થિતિમાં ભલે નિશાન કોઈ પણ હોય, પરંતુ માસૂમ જીવોનો ભોગ લેવાઈ રહ્યો છે તે એક અત્યંત દુઃખદ વાસ્તવિકતા છે. આગામી સમયમાં આ સંઘર્ષ કઈ દિશામાં જશે તેના પર આખી દુનિયાની નજર છે.











