ઓમાનના દરિયામાં ઓઇલ ટેન્કર પર ભયાનક ડ્રોન હુમલો, 1 ભારતીયનું મોત અને અન્ય ક્રૂ મેમ્બર્સનો બચાવ

ઓમાનના દરિયામાં મસ્કતથી 52 નોટિકલ માઇલ દૂર ‘MKD વ્યોમ’ ઓઇલ ટેન્કર પર ડ્રોન હુમલો થયો છે. આ ભયાનક વિસ્ફોટમાં 1 ભારતીયનું મોત થયું છે. જાણો મિડલ ઈસ્ટના તણાવની સંપૂર્ણ વિગત.

નવી દિલ્લી, મંગળવાર
મિડલ ઈસ્ટમાં (Middle East) યુદ્ધની સ્થિતિ હવે વધુ ભયાનક બની રહી છે. અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર થઈ રહેલા સતત હુમલાઓ વચ્ચે દરિયાઈ માર્ગે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઓમાનના દરિયામાં 21 ક્રૂ મેમ્બર્સને લઈને જતા એક ઓઇલ ટેન્કર પર વિસ્ફોટક ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં જહાજ પર સવાર 1 ભારતીય ક્રૂ મેમ્બરનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય સભ્યોને સુરક્ષિત બચાવી લેવાયા છે.

કેવી રીતે થયો હુમલો?
પ્રાપ્ત મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માર્શલ આઇલેન્ડનો ઝંડો ધરાવતું ‘MKD વ્યોમ’ નામનું ઓઇલ ટેન્કર ઓમાનના સમુદ્રમાંથી પસાર થઈ રહ્યું હતું. આ જહાજ મસ્કતના દરિયાકાંઠેથી આશરે 52 નોટિકલ માઇલ દૂર હતું ત્યારે અચાનક તેના પર બોમ્બથી સજ્જ ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો. ડ્રોન ટકરાતા જ જહાજના એન્જિન રૂમમાં ભયાનક વિસ્ફોટ થયો અને આગ ફાટી નીકળી હતી. ઓમાન મેરીટાઈમ સિક્યોરિટી સેન્ટરના જણાવ્યા મુજબ, હુમલા સમયે આ ટેન્કરમાં 59,463 મેટ્રિક ટન જેટલો કાર્ગો ભરેલો હતો.

જહાજમાં સવાર હતા 16 ભારતીયો આ ઓઇલ ટેન્કર પર કુલ 21 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. તેમાંથી 16 ક્રૂ મેમ્બર્સ ભારતીય નાગરિકો હતા. દુર્ભાગ્યવશ, એન્જિન રૂમમાં થયેલા બ્લાસ્ટમાં 1 ભારતીયનું ઘટનાસ્થળે જ મોત થયું છે. રાહતના સમાચાર એ છે કે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને બાકીના તમામ 20 સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે.

વૈશ્વિક તેલ વેપાર પર સંકટ અને ઈરાનની ધમકી
આ હુમલો ફારસની ખાડીના અત્યંત સાંકડા અને મહત્વપૂર્ણ એવા ‘સ્ટ્રેટ ઑફ હૉર્મુજ’ (Strait of Hormuz) પાસે થયો છે. આ માર્ગ વૈશ્વિક તેલના વેપાર માટે જીવાદોરી સમાન માનવામાં આવે છે. હાલમાં અમેરિકા પોતાના B-2 બોમ્બર વિમાનો વડે ઈરાન પર સતત આક્રમક વલણ અપનાવી રહ્યું છે અને ઈઝરાયલ પણ હવાઈ હુમલા કરી રહ્યું છે.

આ તણાવ ભરેલી સ્થિતિ વચ્ચે ઈરાને અગાઉથી જ હૉર્મુજની ખાડી નજીકથી પસાર થતા જહાજોને નિશાન બનાવવાની ધમકી આપી હતી. નિષ્ણાતો માની રહ્યા છે કે ઓમાનના દરિયામાં ઓઇલ ટેન્કર પર થયેલો આ ડ્રોન હુમલો મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા આ જ યુદ્ધ અને તણાવનું સીધું પરિણામ છે. જો આ રીતે દરિયાઈ માર્ગો પર હુમલા વધશે તો આગામી સમયમાં વિશ્વભરમાં ઓઇલ સપ્લાય પર મોટી અસર પડી શકે છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!