ભારત અને અમેરિકા વચ્ચે બાયલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ (BTA) પર 7 કલાકની મેરેથોન મીટિંગ યોજાઈ. આ બેઠકમાં ટેરિફ ઘટાડવા અને કૃષિ ક્ષેત્રે બજાર ખોલવા જેવા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર વાતચીત થઈ. જાણો આ બેઠકના મુખ્ય આઉટકમ અને ભવિષ્યની રણનીતિ.

નવી દિલ્હી, બુધવાર
આજે 16 સપ્ટેમ્બરે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને દિલ્હીમાં એક હાઇ-પાવર્ડ મીટિંગ યોજાઈ હતી. આ મેરેથોન મીટિંગ લગભગ 7 કલાક સુધી ચાલી, જેમાં બંને દેશોએ તેમના મુખ્ય વેપાર મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી. આ મીટિંગમાં અમેરિકા તરફથી મુખ્ય વાટાઘાટકાર બ્રેન્ડન લિંચ અને ભારત તરફથી અધિક સચિવ રાજેશ અગ્રવાલ હાજર રહ્યા હતા.
મીટિંગ બાદ વાણિજ્ય મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું કે આ ચર્ચા ખૂબ જ સકારાત્મક અને દૂરંદેશી રહી. બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે, બાયલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ (BTA) ને જલદી ફાઇનલ કરવાનો નિર્ણય લેવાયો છે.
ભારતની મુખ્ય માંગણીઓ અને અમેરિકાના એજન્ડા
ભારત સતત અમેરિકામાં તેના નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને ટેરિફ ઘટાડવાની વાત કરી રહ્યું છે. આ મીટિંગમાં પણ ટેરિફનો મુદ્દો ભારતના એજન્ડામાં ટોપ પર હતો. આ વેપાર અવરોધો ઘટાડવા પર ખાસ ફોકસ રહ્યું, જેથી ભારતીય પ્રોડક્ટ્સ માટે અમેરિકન માર્કેટમાં પ્રવેશ સરળ બને.
બીજી બાજુ, અમેરિકા ભારતીય બજારમાં કૃષિ અને ડેરી પ્રોડક્ટ્સ માટે વધુ પહોંચ (ઍક્સેસ) માંગી રહ્યું છે. અમેરિકન પ્રતિનિધિઓએ આ મીટિંગમાં ભારતીય બજારમાં તેમના ડેરી અને કૃષિ ઉત્પાદનો વેચવાની ઈચ્છા વ્યક્ત કરી. આ મુદ્દા પર પણ વિસ્તૃત ચર્ચા થઈ હોવાનું મનાય છે.
આગામી બેઠક જલ્દી જ
યુએસ ટીમ હાલ પૂરતું દિલ્હીથી પરત ફરી રહી છે. જોકે, બંને દેશો વચ્ચેની ટ્રેડ ડીલની પ્રક્રિયા અટકશે નહીં. આગામી બેઠક ટૂંક સમયમાં જ ફરી યોજાવાની છે. તાજેતરમાં, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના નજીકના મિત્ર ગણાવ્યા હતા, જે ભારત-અમેરિકા સંબંધોમાં એક પોઝિટિવ સિગ્નલ આપે છે.











