‘મારે હવે EMI ભરવા કામ નથી કરવું’: પંકજ ત્રિપાઠીનો ચોંકાવનારો નિર્ણય, બોલિવૂડમાંથી લીધો બ્રેક!

બોલિવૂડના દિગ્ગજ એક્ટર પંકજ ત્રિપાઠીએ કામમાંથી બ્રેક લેવાનો મોટો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે, “હું માત્ર EMI ભરવા માટે એક્ટિંગ ન કરી શકું.” જાણો શા માટે પંકજ ત્રિપાઠીએ કામ ઘટાડવાનો નિર્ણય લીધો.

મુંબઈ, મંગળવાર
બોલિવૂડમાં પોતાની દમદાર એક્ટિંગ અને સાદગી માટે જાણીતા પંકજ ત્રિપાઠી આજે કોઈ ઓળખના મોહતાજ નથી. ‘કાલીન ભૈયા’ હોય કે પછી ‘માધવ મિશ્રા’, દરેક પાત્રમાં તેમણે દર્શકોના દિલ જીત્યા છે. જોકે, સતત હિટ ફિલ્મો અને વેબ સિરીઝ આપ્યા બાદ હવે પંકજ ત્રિપાઠીએ એક ચોંકાવનારો નિર્ણય લીધો છે. તેમણે જાહેરમાં સ્વીકાર્યું છે કે તેઓ હવે બોલિવૂડમાંથી થોડો સમય બ્રેક લેવા માંગે છે.

શા માટે લીધો બ્રેક? – “મને હવે મજા નથી આવતી”
છેલ્લા કેટલાક વર્ષોથી પંકજ ત્રિપાઠી સતત શૂટિંગમાં વ્યસ્ત હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે, સતત કામ કરવાને કારણે હવે તેમને થાક અને કંટાળો આવવા લાગ્યો છે.

પંકજ ત્રિપાઠીએ કહ્યું કે, “હું સતત એક પછી એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો હતો, જેના લીધે હું ખૂબ થાકી ગયો હતો. સાચું કહું તો, મને હવે મારા કામમાં પહેલા જેવી મજા નથી આવી રહી. મારો જે ઉત્સાહ હતો તે ઘટવા લાગ્યો હતો. તેથી મને લાગ્યું કે મારે એક બ્રેક લેવાની ખૂબ જરૂર છે.”

“હું માત્ર EMI ભરવા માટે કામ ન કરી શકું”
પંકજ ત્રિપાઠીએ કામ ઘટાડવા પાછળનું સૌથી મોટું કારણ જણાવતા એક બહુ મોટી વાત કહી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે હવે તેઓ માત્ર પૈસા માટે જ કામ કરવા નથી માંગતા. તેમણે કહ્યું, “હું જિંદગીના એવા તબક્કે છું જ્યાં મારે માત્ર આર્ટિસ્ટિક સેટિસ્ફેક્શન (કલાકાર તરીકેનો સંતોષ) અને ઉત્સાહ માટે કામ કરવું છે. હું માત્ર ઘર ચલાવવા કે EMI ભરવા માટે એક્ટિંગ ન કરી શકું. મારે એવું કામ કરવું છે જે મને લાંબા ગાળે સફળ બનાવે અને જે મને અંદરથી ખુશી આપે.”

હવે સિલેક્ટીવ કામ જ કરશે
પોતાના નિર્ણય વિશે વધુ વાત કરતા તેમણે જણાવ્યું કે હવે તેઓ સ્ક્રિપ્ટની પસંદગીમાં ખૂબ જ ધ્યાન રાખશે. હવે તેઓ દરેક મળતા પ્રોજેક્ટ માટે ‘હા’ નહીં પાડે. તેઓ ઘરેથી શૂટિંગ માટે ત્યારે જ નીકળશે જ્યારે કોઈ વાર્તા તેમને ખરેખર ઉત્સાહિત કરશે.

ઉલ્લેખનીય છે કે, પંકજ ત્રિપાઠી વર્ષ 2025માં માત્ર બે જ મોટા પ્રોજેક્ટમાં જોવા મળ્યા હતા – એક ફિલ્મ ‘મેટ્રો… ઈન દિનો’ અને બીજી લોકપ્રિય વેબ સિરીઝ ‘ક્રિમિનલ જસ્ટિસઃ એ ફેમિલી મેટર’.

“ધીમી જિંદગી જીવવી હતી પણ…”
પોતાના સંઘર્ષ અને કામના ભારણ વિશે વાત કરતા પંકજ ત્રિપાઠીએ કહ્યું કે, “હું હંમેશાથી ધીમી અને શાંત જિંદગી જીવવા માંગતો હતો, પરંતુ હું આ ઝડપી દુનિયામાં ફસાઈ ગયો. ખાસ કરીને કોવિડ પહેલા અને પછીના સમયમાં મેં ખૂબ કામ કર્યું. મને હવે સમજાયું છે કે એક એક્ટરે પોતાના ટેલેન્ટનો ઉપયોગ ખૂબ સમજી-વિચારીને કરવો જોઈએ. સતત 30 દિવસ કામ કરીને કોઈ પણ વ્યક્તિ થાકી જાય, અને હું પણ થાકી ગયો હતો.”

હવે પંકજ ત્રિપાઠી પર કોઈ મોટી જવાબદારીઓ નથી, તેથી તેઓ નિરાંતે અને પોતાની મરજી મુજબ કામ કરવા માંગે છે. ચાહકો હવે તેમને ફરી ક્યારે નવા અંદાજમાં જોશે, તેની રાહ જોઈ રહ્યા છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!